બીજી ટેસ્ટમાં પહેલો દિવસ ભારતને નામ રહ્યો

મિરપુરઃ ભારત અને બંગલાદેશની વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝની છેલ્લી મેચ ઢાકાના શેરે બંગ્લા નેશનલ સ્ટેડિયમમાં આજથી શરૂ થઈ છે. ઉમેશ યાદવ અને રવિચંદ્રન અશ્વિને ચાર-ચાર વિકેટ લેતાં બંગલાદેશની બીજી ટેસ્ટ મેચમાં પહેલી ઇનિંગ્સ 227 રનમાં સમેટાઈ હતી, જેના જવાબમાં ભારત રમત પૂરી થાય ત્યાં સુધી વિના વિકેટે 19 રન બનાવી લીધા હતા.

બંગલાદેશે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, બંગલાદેશનો મોમિનુલ હક સિવાય કોઈ ક્રિકેટર મોટો સ્કોર કરી નહોતો શક્યો. મોમિનુલે 157 બોલમાં 84 રન બનાવ્યા હતા, જેમાં 12 ચોક્કા અને એક છક્કો સામેલ હતો.

ભારત તરફથી ઝડપી બોલર ઉમેશ યાદવ 25 રન આપીને ચાર, અશ્વિને 71 રન આપીને ચાર અને 12 વર્ષ પછી ટેસ્ટમાં પરત ફરનાર જયદેવ ઉનડકટે 50 રન આપીને બે વિકેટ લીધી હતી. બંગલાદેશ છેલ્લી પાંચ વિકેટ 14 રનમાં ગુમાવી હતી.

ટીમ ઇન્ડિયાના કેપ્ટન કેએલ રાહુલને બે જીવતદાન મળ્યા હતા. બીજા દિવસની રમતના અંતે ભારતે વિના વિકેટે 19 રન બનાવ્યા હતા. ભારત હજી બંગલાદેશથી 208 રન પાછળ છે. ભારતે પહેલી ટેસ્ટ મેચ 188 રને જીતીને સિરીઝમાં 1-0થી આગળ છે.