પાકિસ્તાન ટીમનો ફ્લોપ-શો: વડા પસંદગીકાર પદેથી ઈન્ઝમામ-ઉલ-હકનું રાજીનામું

લાહોરઃ ભારતમાં રમાતી આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023 સ્પર્ધામાં બાબર આઝમના નેતૃત્ત્વ હેઠળની પાકિસ્તાન ટીમના કંગાળ દેખાવને પગલે ભૂતપૂર્વ કેપ્ટન ઈન્ઝમામ-ઉલ-હકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ સિલેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે. ઈન્ઝમામે પોતાનો રાજીનામાનો પત્ર આજે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા ઝકા અશરફને મોકલી આપ્યો હતો.

સતત ચાર મેચમાં પરાજિત થવાને કારણે પાકિસ્તાન ટીમ વર્લ્ડ કપ-2023માં સ્પર્ધામાંથી આઉટ થવાને આરે છે. ટીમે નેધરલેન્ડ્સ અને શ્રીલંકા સામે જીત મેળવી સારી શરૂઆત કરી હતી, પણ ત્યારબાદ ભારત સહિત ચાર ટીમ સામે એમનો પરાજય થયો હતો.

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરોએ કંગાળ દેખાવ બદલ બાબર આઝમ તથા ટીમ મેનેજમેન્ટની આકરી ટીકા કરી છે. પાકિસ્તાન બોર્ડ હવે આઝમના હાથમાંથી સુકાનીપદ પણ લઈ લે એવી ધારણા છે.