ICC રેન્કિંગઃ ટીમ ઇન્ડિયાએ રચી દીધો ઇતિહાસ

નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે બોર્ડર-ગાવસકર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ 17 ફેબ્રુઆરીથી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. એ પહેલાં ટીમ ઇન્ડિયાએ એક નવો ઇતિહાસ રચી દીધો છે. ક્રિકેટ હિસ્ટરીમાં આવું પહેલી વાર થયું છે, જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ એક જ સમયે ઇન્ટરનેશનલ ક્રિકેટનાં ત્રણે ફોર્મેટ્સ- ટેસ્ટ વનડે અને T20માં વિશ્વની નંબર-વન ટીમ બની ગઈ છે.

ટીમ ઇન્ડિયા એક જ સમયે ઇન્ટરનેશનલ ક્રિકેટના ત્રણ ફોર્મેટ્સ- ટેસ્ટ, વનડે અને T20માં વિશ્વની નંબર-1 ટીમ બનનારી એશિયાની પહેલી ટીમ બની ગઈ છે. ભારતીય ટીમ વનડે અને T20માં પહેલેથી વર્લ્ડ નંબર વન ટીમ બનેલી હતી અને બુધવારે જારી થયેલા તાજા લિસ્ટમાં ટેસ્ટ ટીમ રેન્કિંગમાં પણ એ ઓસ્ટ્રેલિયાને પછાડીને વિશ્વની નંબર-1 ટેસ્ટ ટીમ બની ગઈ છે. એની સાથે ભારતીય ટીમ હાલના સમયમાં ટેસ્ટ, વનડે અને T20માં વિશ્વની નંબર-1 ટીમ છે.

ભારતે આ પહેલાં ક્યારેય એક જ સમયે ત્રણે ફોર્મેટમાં વિશ્વની નંબર વન-1 ટીમ નહોતી બની અને હવે ક્રિકેટ હિસ્ટરીમાં પહેલી વાર એ રેકોર્ડ પોતાને નામે કરી દીધો છે. ICCની તાજા ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમ 115 રેટિંગ પોઇન્ટની સાથે ટોપ પર પહોંચી ચૂકી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ નાગપુરમાં મળેલી હારથી નુકસાન થયું છે અને એ 111 રેટિંગ પોઇન્ટ્સની સાથે બીજા સ્થાને સરકી છે.

ભારતથી પહેલાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક જ સમયે ત્રણે ફોર્મેટ –ટેસ્ટ, વનડે અને T20માં એકસાથે વિશ્વની નંબર-1 ટીમ બનાવવાના રેકોર્ડ માત્ર દક્ષિણ આફ્રિકાને નામે હતો. દક્ષિણ આફ્રિકાની ટીમ વર્ષ 2013માં ત્રણે ફોર્મેટમાં વિશ્વની નંબર વન ટીમ બની હતી.