મનોહરના રાજીનામા બાદ ICC ચેરમેનપદ માટે ગાંગુલી મજબૂત દાવેદાર

નવી દિલ્હી: ક્રિકેટની રમતનું આંતરરાષ્ટ્રી સ્તરે સંચાલન કરતી સંસ્થા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના ચેરમેન પદેથી શશાંક મનોહરે ગઈ કાલે રાજીનામુ આપ્યું. એમના રાજીનામાને પગલે હવે આઈસીસીના નવા ચેરમેન કોણ હશે એ ચર્ચાએ જોર પકડ્યું છે. હોંગકોંગના ઇમરાન ખ્વાજા હાલ આઈસીસીના વચગાળાના અધ્યક્ષ નિમાયા છે. આઇસીસી બોર્ડ આગામી સપ્તાહ સુધીમાં નવા અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયાને મંજૂરી આપે તેવી સંભાવના છે. આ પદ પર બિરાજમાન થવા ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખ સૌરવ ગાંગુલી માટેનો માર્ગ મોકળો થયો છે.

ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના પૂર્વ અધ્યક્ષ કોલિન ગ્રેવ્સ અને બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી આઈસીસીના અધ્યક્ષ પદના મુખ્ય દાવેદારો છે. 47 વર્ષીય ગાંગુલી આ પદ માટે મજબૂત દાવેદાર છે, પણ એમની દાવેદારી સુપ્રીમ કોર્ટ પર નિર્ભર કરે છે. બીસીસીઆઈ ઈચ્છે છે કે લોઢા સમિતિના વહીવટીય સુધારાવાદી પગલાં અંતર્ગત સુપ્રીમ કોર્ટ બોર્ડને રાહત આપે, જેથી ગાંગુલી વધુ ત્રણ વર્ષ સુધી બીસીસીઆઈના પ્રમુખપદે રહી શકે.

બીસીસીઆઈ પ્રમુખ તરીકે ગાંગુલીની 3 વર્ષની મુદત 31 જુલાઈએ પૂરી થાય છે. જો સુપ્રીમ કોર્ટ રાહત આપવાની ના પાડશે તો ગાંગુલી આઈસીસી ચેરમેન બનવા તરફ આગળ વધી શકશે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત લોઢા સમિતિ ભલામણ કરી ચૂક્યું છે કે ગાંગુલી સતત ત્રણ વર્ષથી વધારે સમય માટે બીસીસીઆઈના કોઈ પણ પદ પર રહી ન શકે.

મહત્વનું છે કે, શશાંક મનોહર બે વખત બીસીસીઆઈના પ્રમુખ રહી ચૂક્યા છે. તેમનો પ્રથમ કાર્યકાળ 2008થી 2011 વચ્ચે હતો, જ્યારે બીજી વખત જગમોહન દાલમિયાના નિધન પછી ઓક્ટોબર 2015થી મે 2016 વચ્ચે તેમને બીસીસીઆઈ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.

શશાંક મનોહરના રાજીનામાં પછી હવે વિશ્વના સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડ એવા બીસીસીઆઈની નજર આઈસીસીના ચેરમેન પદ પર મંડાયેલી છે. બીસીસીઆઈ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા વર્લ્ડ કપની જગ્યાએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 13મી સીઝનનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યું છે. માટે જો આઈસીસીના નવા ચેરમેન ભારતના હોય તો બીસીસીઆઈને તેની આ યોજના લાગુ કરાવવામાં સરળતા રહેશે.