રેલવેનું ખાનગીકરણનું કામ જોરમાંઃ 109 રૂટ પર ખાનગી ટ્રેનો દોડાવાશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા સૌપ્રથમ વાર ભારતીય રેલવે નેટવર્ક પર પેસેન્જર ટ્રેન ચલાવવા માટે ખાનગી કંપનીઓને આમંત્રિત કરવામાં આવી છે. રેલવે મંત્રાલયે બુધવારે 109 જોડી રૂટો પર 151 મોડર્ન ટ્રેનો દ્વારા પેસેન્જર ટ્રેનો ચલાવવા માટે ખાનગી કંપનીઓ પાસેથી અરજી મગાવવામાં આવી છે. દરેક ટ્રેનમાં ઓછામાં ઓછા 16 કોચ હોવા જોઈએ. આ યોજનામાં ખાનગી ક્ષેત્રનું રૂ. 30,000 કરોડનું મૂડીરોકાણ આવશે.  

પેસેન્જર ટ્રેનો ચલાવવા માટે ખાનગી મૂડીરોકાણની પહેલ

ભારતીય રેલવે નેટવર્ક ઉપર પેસેન્જર ટ્રેનો ચલાવવા માટે ખાનગી મૂડીરોકાણની આ પ્રથમ પહેલ છે. મંત્રાલયે કહ્યું છે કે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત દેશમાં મોટા ભાગની ટ્રેનોનું ઉત્પાદન કરવામાં આવશે. ટ્રેનોની નાણાકીય વ્યવસ્થા, ટ્રેનો ચલાવવાની અને ટ્રેનોની જાળવણી કરવા સહિત તમામ જવાબદારી ખાનગી કંપનીની રહેશે. રેલવે 35 વર્ષ માટે આ ટ્રેનો ખાનગી કંપનીઓને આપશે.

ટ્રેનોની મહત્તમ સ્પીડ પ્રતિ કલાકના 160 કિલોમીટરની

આ પેસેન્જર ટ્રેનો પ્રતિ કલાકના 160 કિલોમીટરની ઝડપે ડિઝાઇન કરવામાં આવી છે. જેથી પ્રવાસના સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે. જેતે માર્ગો પર ટ્રેનો દ્વારા લેવામાં આવતો સમય ભારતીય રેલવેની સૌથી ઝડપી ટ્રેન સાથે તુલનાત્મક અથવા ઝડપી હશે.

આ ખાનગીકરણનો ઉદ્દેશ એ છે કે ટ્રેનોનો જાળવણી ખર્ચ ઘટાડવો, રોજગારીનું સર્જન કરવું, સલામતી પૂરી પાડવી, પેસેન્જરોને વર્લ્ડ કક્ષાના પ્રવાસનો અનુભવવો કરાવવો અને પેસેન્જર ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રમાં માગ-પુરવઠાનો ગેપ ઘટાડવો, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

આ પ્રોજેક્ટ માટે કંપનીઓને ટ્રેનો ચલાવવા માટેનો સમયગાળો (કન્સેશન પિરિયડ) 35 વર્ષનો હશે. ખાનગી કંપનીએ ભારતીય રેલવેને નિશ્ચિત ચાર્જ, વીજ વપરાશ પ્રમાણે ચાર્જ અને પારદર્શક બિડિંગ પ્રક્રિયા દ્વારા કુલ આવકમાં હિસ્સો ચૂકવવો પડશે.

આ ટ્રેનોના ડ્રાઇવર અને ગાર્ડ રેલવેના જ રહેશે

આ ટ્રેનોને ભારતીય રેલવેના ડ્રાઇવર અને ગાર્ડ દ્વારા ચલાવવામાં આવશે. ખાનગી કંપનીઓ દ્વારા ટ્રેનોનું સંચાલન, ટ્રેનોને ઇન્ડિકેટર્સ મુજબ સમયસર ચલાવવાની જવાબદારી અને જાળવણી કરવાની રહેશે. ભારતીય પેસેન્જર ટ્રેનોનું સંચાલન અને જાળવણી રેલવેએ નિર્ધારિત કરેલાં ધારાધોરણો મુજબ વિશિષ્ટતાઓ અને જરૂરિયાતો અનુસાર સંચાલિક કરવામાં આવશે.

IRCTC દ્વારા પહેલી ખાનગી ટ્રેન પાછલા વર્ષે શરૂ કરાઈ હતી

ગયા વર્ષે IRCTCએ પહેલી ખાનગી ટ્રેન લખનઉ-દિલ્હી તેજસ એક્સપ્રેસ શરૂ કરી હતી. રેલવેના જણાવ્યા મુજબ આ પગલા પાછળનો હેતુ ભારતીય રેલવેમાં ટ્રેનોનો જાળવણી ખર્ચ ઓછો થયો હતો.