તાજ હોટેલને ધમકીઃ દમણના દરિયામાંથી બિનવારસી બોટ મળી આવી

દમણ:  દક્ષિણ મુંબઈની લક્ઝરી હોટેલ તાજ મહલ પેલેસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ દમણના દરિયામાં એક બિનવારસી બોટ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. બોટની તપાસ કરતા તેમાંથી ઈરાન સાથે સંકળાયેલા કેટલાક દસ્તાવેજો સહિતનો સામાન મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ બોટ ઈરાનની હોવાની જાણકારી મળી છે. આ સિવાય બોટમાંથી કોઈ શંકાસ્પદ સામાન મળી આવ્યો નથી.

પ્રતિકાત્મક તસવીર

હાલ આ બોટને કબજામાં લઈને મરીન પોલીસ અને કોસ્ટ ગાર્ડે વધુ તપાસ હાથ ધરી છે. તાજેતરમાં જ મુંબઈની તાજ મહલ હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી ફોન દ્વારા આપવામાં આવી હતી. તાજ હોટલ ઉપરાંત હોટેલ કોલાબા અને બાન્દ્રા (વેસ્ટ)ની તાજ લેન્ડ્સ એન્ડને પણ ધમકી ભર્યા કોલ આવ્યા હોવાના અહેવાલ હતા. આ ફોન કોલ પાકિસ્તાનમાંથી કરવામાં આવ્યા હતા. આ ધમકી પછી આ બધી હોટેલ સહિતના તમામ મહત્ત્વના તથા સંવેદનશીલ સ્થળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

તાજ મહલ હોટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પછી સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. હોટેલ તાજ પર ફરીથી આતંકી હુમલાની આશંકાને કારણે દમણના દરિયામાં કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર જ્યારે પેટ્રોલિંગ કરી રહ્યું હતું એ દરમિયાન તેની નજર એક બોટ પર પડી હતી. ત્યારબાદ તપાસ કરવામાં આવતા એ બોટ બિનવારસી હોવાની જાણવા મળ્યું હતું.

12 વર્ષ પછી ફરી તાજ મહલ હોટેલને ધમકી આપવામાં આવી છે. 2008ની સાલમાં 26મી નવેંબરે પાકિસ્તાનમાંથી ઘૂસી આવેલા ત્રાસવાદીઓએ તાજ મહલ પેલેસ હોટેલ પર ભયાનક હુમલો કર્યો હતો અને ગોળીબાર કર્યો હતો તેમજ બોમ્બ વિસ્ફોટો કર્યા હતા.