શારજાહઃ જાવેદ મિયાંદાદે દાયકાઓ પહેલાં શારજાહના મેદાન પર જે પરાક્રમ કર્યું હતું એવું જ પાકિસ્તાનના 19 વર્ષના યુવાન નસીમ શાહે ગઈ કાલે ફરી અહીં જ કરી બતાવ્યું. નસીમે મેચની આખરી ઓવરના પહેલા બે બોલમાં બે સિક્સર ફટકારીને એશિયા કપ-2022 સુપર-4 રાઉન્ડની મહત્ત્વની T20I મેચમાં પાકિસ્તાનને અફઘાનિસ્તાન પર 1-વિકેટથી જીત અપાવી. એની બે સિક્સરની સાથે પાકિસ્તાન ફાઈનલમાં પહોંચી ગયું અને અફઘાનિસ્તાન અને ભારત બેઉ ટીમ સ્પર્ધામાંથી આઉટ થઈ ગઈ. હવે 11 સપ્ટેમ્બરે દુબઈમાં રમાનાર ફાઈનલમાં પાકિસ્તાનનો મુકાબલો શ્રીલંકા સાથે થશે. નસીમની બે સિક્સરથી દુનિયા દંગ રહી ગઈ.
ગઈ કાલની મેચમાં, અફઘાનિસ્તાનના 129/6 (20) સ્કોરના જવાબમાં પાકિસ્તાને 19.2 ઓવરમાં 9 વિકેટે 131 રન કરીને મેચ જીતી લીધી. પાકિસ્તાનની આખરી જોડી – નસીમ શાહ (10મો ખેલાડી) અને મોહમ્મદ હસનૈન (11મો) મેદાનમાં હતા. પાકિસ્તાનને જીત માટે આખરી ઓવરમાં 11 રનની જરૂર હતી. અફઘાનિસ્તાનના બોલરો અને ફિલ્ડરોએ જોરદાર લડત આપી, પાકિસ્તાનની 9 વિકેટ પાડી દઈને મેચને રોમાંચક બનાવી દીધી હતી. પણ નસીમ શાહ અપ્રતિમ સાહસ કરવાના મૂડમાં હતો. એણે ફઝલહક ફારુકીની ઓવરના પહેલા બોલે સાઈટસ્ક્રીન પર સિક્સર ફટકારી દીધી હતી. ફારુકીએ યોર્કર ફેંકવાના પ્રયાસમાં ફૂલટોસ ફેંક્યો હતો. જેનો નસીમે લાભ ઉઠાવ્યો હતો. ફારુકીએ બીજા બોલમાં પણ એ જ ભૂલ કરી હતી અને નસીમે લોંગ ઓફ્ફ પર સિક્સર ફટકારી દીધી હતી.
મેચ બાદ નસીમે પ્રેઝન્ટર-કોમેન્ટેટર રવિ શાસ્ત્રી સાથેની વાતચીતમાં કહ્યું કે, હું નેટ-પ્રેક્ટિસમાં બેટિંગની, ઊંચા ફટકા મારવાની ઘણી પ્રેક્ટિસ કરી ચૂક્યો છું એટલે મને વિશ્વાસ હતો કે હું સિક્સરો ફટકારીને મારી ટીમને મેચ જિતાડી શકીશ. મને એ પણ ખાતરી હતી કે એ લોકો મને યોર્કર ફેંકશે. એનો સામનો કરવા હું તૈયાર જ હતો. આખરી ઓવરના આરંભે હસનૈન સાથે મારે વાતચીત થઈ હતી. મેં એને કહ્યું હતું કે હું હિટ કરી શકું એમ છું, પણ મારું બેટ બરાબર નથી તું તારું બેટ મને રમવા આપ. એટલે એણે મને એનું બેટ આપ્યું હતું.