હું વર્લ્ડકપ ટીમમાં સ્થાન મેળવવાના ઈરાદે રમતો નથીઃ શાર્દુલ

ટ્રિનિડાડઃ ગઈ કાલે અહીંના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાઈ ગયેલી ત્રીજી અને શ્રેણીની આખરી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ પર 200 રનથી જીત મેળવી શ્રેણીને 2-1થી જીતવામાં મધ્યમ ઝડપી બોલર શાર્દુલ ઠાકૂરે મોટી મદદ કરી હતી. તેણે 6.3 ઓવરમાં 37 રન આપીને 4 વિકેટ લીધી હતી. એને કારણે ભારતના 351-5 (50 ઓવર) સ્કોર સામે ગૃહ ટીમ માત્ર 35.3 ઓવરમાં 151 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

મેચ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં 31-વર્ષીય ઓલરાઉન્ડર શાર્દુલે સ્પષ્ટ કહી દીધું કે, ‘હું આગામી વર્લ્ડ કપ સ્પર્ધા માટેની ટીમમાં સ્થાન મેળવવાના ઈરાદા સાથે રમતો નથી. હું એવા પ્રકારનો ખેલાડી નથી. વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મેળવવાના ઈરાદા સાથે જો હું રમું તો સારો દેખાવ કરી નહીં શકું. વર્લ્ડ કપ ટીમમાં મારી પસંદગી કરવી કે નહીં સિલેક્ટરોનું કામ છે. જો તેઓ મને પસંદ નહીં કરે તો એમાં હું કંઈ કરી નહીં શકું. હું માત્ર આપણી ટીમ જીતે એવી આશા સાથે અને ટીમની જીતમાં મદદરૂપ થાય એવી અસર કરવાની નેમ સાથે રમતો હોઉં છું.’

પ્રવાસી ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સીરિઝ 1-0થી અને વન-ડે સીરિઝ 2-1થી જીતી લીધા બાદ બંને ટીમ વચ્ચે હવે પાંચ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સીરિઝ રમાશે. પહેલી મેચ 3 ઓગસ્ટે ટ્રિનિડાડમાં રમાશે.