કેન્ડીઃ એશિયા કપ ક્રિકેટ-2023 સ્પર્ધામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ગ્રુપ મેચ ગઈ કાલે વરસાદને કારણે અનિર્ણિત રહી. વરસાદે બે વખત કરેલા વિઘ્ન બાદ ભારતનો દાવ 266 રનમાં પૂરો થયો હતો. તે પછી પાકિસ્તાનનો દાવ શરૂ જ થઈ ન શક્યો. ગ્રુપ-Aની આ બંને ટીમને 1-1 પોઈન્ટ ફાળવી દેવાયો. આ મેચમાં ભારતની બેટિંગ કમજોરી ઊડીને આંખે વળગી છે. ટીમ પૂરી 50 ઓવર રમી શકી નહીં અને ટોપ ઓર્ડર સુપર-ફ્લોપ ઠર્યો. મિડલ ઓર્ડરમાં વિકેટકીપર ઈશાન કિશન અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને બાજી સંભાળવી પડી હતી.
એશિયા કપ સ્પર્ધા પૂરી થાય એ પછી આવતા મહિનાના પહેલા જ અઠવાડિયાથી ભારતમાં આઈસીસી ODI વર્લ્ડ કપ સ્પર્ધા શરૂ થશે. પરંતુ, ગઈ કાલે એશિયા કપની પહેલી જ મેચમાં ભારતના નબળા બેટિંગ દેખાવે દેશના ક્રિકેટચાહકોને નિરાશ કરી દીધા. કેપ્ટન અને ઓપનિંગ બેટર રોહિત શર્મા 22 બોલ રમ્યો હતો અને માત્ર 11 રન કરીને બોલ્ડ થયો હતો. એ પછી બીજો સ્ટાર બેટર અને ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી માત્ર 7 બોલ રમીને 4 રન કરીને બોલ્ડ થઈ ગયો હતો. આ બંને વિકેટ પાકિસ્તાનના ડાબોડી કાતિલ ફાસ્ટ બોલર શાહીન અફરિદીએ લીધી હતી. અન્ય ઓપનર શુભમન ગિલ અને શ્રેયસ ઐયર પણ નિષ્ફળ ગયા હતા. ઐયર શોર્ટ બોલ પર વિકેટ ફેંકીને 14 રન કરીને આઉટ થયો હતો જ્યારે ગિલે 32 બોલમાં માત્ર 10 રન કર્યા હતા અને તે અન્ય ફાસ્ટ બોલર હારિસ રઉફની બોલિંગમાં બોલ્ડ થયો હતો.
ટોપના બેટર્સનો આ શરમજનક દેખાવ દર્શાવે છે કે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની તૈયારી હજી અધૂરી છે. શાહીન અફરિદી અને જમોડી ફાસ્ટ બોલરો – નસીમ શાહ તથા રઉફની સ્વિંગ અને ઝંઝાવાતી બોલિંગનો સામનો કરવામાં ભારતના ટોચના બેટર્સની નિષ્ફળતાની સોશિયલ મિડિયા પર ખૂબ હાંસી ઉડાવાઈ છે. ભારતીય ક્રિકેટ બોર્ડ આ જ અઠવાડિયે વર્લ્ડ કપ માટેની ટીમ ઘોષિત કરવાનું છે. એના 15 ખેલાડીઓ તો એ જ હશે જે હાલ એશિયા કપમાં રમી રહ્યા છે.
ડાબોડી ફાસ્ટ બોલરો સામે રોહિત-વિરાટ ફરી ફ્લોપ
શાહીન અફરિદી સામે રોહિત શર્મા અને વિરાટ કોહલી ફરી નિષ્ફળ ગયા છે. અફરિદીના આગ વરસાવતા બોલનો સામનો કેવી રીતે કરવું તે આ બંને બેટર્સને સમજાતું નથી. 2021ની ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં પણ રોહિત અને વિરાટ શાહીનનો સામનો કર્યો હતો. એમાં રોહિતની વિકેટ અફરિદીએ લીધી હતી. વર્લ્ડ કપમાં શાહીન ઉપરાંત ન્યૂઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટ અને ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કનો સામનો કેવી રીતે કરવો એ ભારતના ટોચના બેટર્સે શીખવું પડશે.