દુબઈઃ ગ્લેન મેક્સવેલના ઓલરાઉન્ડ પરફોર્મન્સ અને સાણંદનિવાસી જમોડી ફાસ્ટ બોલર હર્ષલ પટેલની હેટ-ટ્રિકે ગઈ કાલે અહીં આઈપીએલ-2021ની 39મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ગયા વર્ષના ચેમ્પિયન્સ મુંબઈ ઈન્ડિયન્સ પર 54-રનથી જીત અપાવી હતી. મેક્સવેલે બેટિંગમાં 37 બોલમાં 56 રન ઝૂડી કાઢ્યા બાદ બોલિંગમાં બે વિકેટ પણ લીધી હતી. તો હર્ષલ પટેલે 3.1 ઓવરમાં 17 રન આપીને 4 વિકેટ લીધી હતી. હર્ષલ આઈપીએલ-2021માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે અત્યાર સુધીમાં 23 વિકેટ લીધી છે. તે આ છઠ્ઠી વખત હેટ-ટ્રિકને આરે પહોંચ્યો હતો અને પહેલી વાર ત્રણ-બોલમાં ત્રણ વિકેટ લેવામાં સફળ રહ્યો છે. ગઈ કાલે તેના હેટ-ટ્રિક શિકાર બેટ્સમેનો હતા – હાર્દિક પંડ્યા, કાઈરન પોલાર્ડ અને રાહુલ ચાહર. દાવની આખરી ઓવરોમાં (ડેથ ઓવર્સમાં) હર્ષલની કટર અને યોર્કર ડિલીવરીઓ કમાલ કરી બતાડશે એવા કેપ્ટન વિરાટ કોહલીએ મૂકેલા વિશ્વાસને હર્ષલે સાર્થક કરી બતાવ્યો હતો.
આઈપીએલ સ્પર્ધામાં હેટ-ટ્રિક લેનાર હર્ષલ પટેલ રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમનો ત્રીજો બોલર બન્યો છે. આ પહેલાં પ્રવીણકુમાર (2010માં રાજસ્થાન રોયલ્સ સામે) અને સેમ્યુઅલ બદ્રીએ (2017માં મુંબઈ ઈન્ડિયન્સ સામે) હેટ-ટ્રિક લીધી હતી.
આઈપીએલમાં આ પહેલી જ વાર બેંગલોરની ટીમે મુંબઈ ટીમને ઓલઆઉટ કરી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ગઈ કાલની મેચમાં મેક્સવેલના 56 અને વિરાટ કોહલીના 51 રનની મદદથી 20 ઓવરમાં 6 વિકેટે 165 રન કર્યા હતા. તેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ 18.1 ઓવરમાં 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.