આઈપીએલઃ રોહિતની જગ્યાએ હાર્દિક બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી, 2024ની મોસમ માટે મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની નિમણૂક કરવામાં આવી છે. તે રોહિત શર્માનો અનુગામી બન્યો છે. શર્માના સુકાનીપદ હેઠળ મુંબઈ ટીમે પાંચ વખત વિજેતાપદ જીત્યું છે. શર્માને 2013ની મોસમમાં અધવચ્ચે મુંબઈ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

મુંબઈ ટીમના ગ્લોબલ હેડ મહેલા જયવર્દનેએ કહ્યું કે, ‘મુંબઈ ઈન્ડિયન્સને પહેલેથી જ અસાધારણ નેતૃત્ત્વ પ્રાપ્ત થયું છે. સચીન તેંડુલકર, હરભજન સિંહ, રિકી પોન્ટિંગ અને રોહિત શર્મા. અસાધારણ નેતૃત્ત્વ પૂરું પાડવા બદલ અમે રોહિત શર્માના આભારી છીએ. અમે નવા કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને આવકારીએ છીએ અને એને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ.’

હાર્દિક પંડ્યાએ 2013માં આઈપીએલમાં પ્રવેશ કર્યો હતો. અત્યાર સુધીમાં તે મુંબઈ ઈન્ડિયન્સ વતી 92 મેચ રમી ચૂક્યો છે. 2022માં તે ગુજરાત ટાઈટન્સ ટીમમાં જોડાયો હતો. 2022 અને 2023ની મોસમમાં એણે ગુજરાત ટીમનું નેતૃત્ત્વ સંભાળ્યું હતું. તેની ટીમ બંને આવૃત્તિમાં ફાઈનલમાં પહોંચી હતી. 2022માં વિજેતા બની હતી જ્યારે આ વર્ષે તેને રનર્સ-અપ ટ્રોફીથી સંતોષ માનવો પડ્યો હતો.