મુંબઈ – ‘મેન ઈન બ્લૂ’ મુંબઈ ઈન્ડિયન્સે ગઈ કાલે અહીં વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ ગયેલી લીગ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 13-રનથી હરાવીને મહત્વના પોઈન્ટ્સ હાંસલ કર્યા અને સ્પર્ધામાં પોતાની ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત કરી. પ્લેઓફ્ફ્સમાં પ્રવેશવાની મુંબઈની આશા આ જીતથી જીવંત રહી છે.
મુંબઈની આ જીતનો હકદાર રહ્યો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા. એણે બેટ અને બોલ, બંને વડે ઉત્તમ દેખાવ કર્યો હતો અને ‘મેન ઓફ ધ મેચ’નો એવોર્ડ જીતી ગયો એટલું જ નહીં, પણ વર્તમાન સ્પર્ધામાં સૌથી વધારે વિકેટ લેનાર બોલર બનીને ‘પર્પલ કેપ’નો નવો હોલ્ડર બન્યો છે.
મુંબઈ ઈન્ડિયન્યસે પોતાના હિસ્સાની 20 ઓવરમાં 4 વિકેટે 181 રન કર્યા હતા. એના જવાબમાં, કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 20 ઓવરમાં 6 વિકેટના ભોગે માત્ર 168 રન કરી શકી હતી. મુંબઈએ કોલકાતા પર સળંગ સાતમો વિજય મેળવ્યો છે. આઈપીએલ સ્પર્ધાના ઈતિહાસમાં કોલકાતા પર મુંબઈનો આ 17મો વિજય થયો છે.
હાર્દિક પંડ્યાએ બેટિંગમાં, 20 બોલમાં 35 રન ઝૂડી કાઢ્યા હતા અને બાદમાં કોલકાતાના દાવ વખતે ટીમના ઓપનર શુભમન ગિલ અને નીતિશ રાણાની વિકેટ પાડી હતી.
હાર્દિકે હવે 9 મેચોમાં કુલ 14 વિકેટ લીધી છે. એણે કુલ 27.4 ઓવર ફેંકી છે, જેમાં એનો ઈકોનોમી રેટ 8.49 છે. હાર્દિક બાદના ક્રમે મુંબઈ ઈન્ડિયન્સનો જ મયંક માર્કંડે આવે છે જેણે 10 મેચોમાં 13 વિકેટ લીધી છે. ત્રીજા ક્રમે રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમનો ઉમેશ યાદવ છે – 9 મેચમાં 13 વિકેટ.
મુંબઈની ટીમ હવે પોઈન્ટ્સ ટેબલમાં 10 મેચમાં ચાર જીત સાથે પાંચમા ક્રમે છે.
આ છે, આઈપીએલ-2018ના આગેવાન ક્રિકેટરો… (બેસ્ટ બેટ્સમેન અંબાતી રાયડુ, બેસ્ટ બોલર હાર્દિક પંડ્યા)