ડે-નાઈટ ટેસ્ટ મેચ રદ થઈઃ BCCIનો વિજય થયો

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડ (ક્રિકેટ ઓસ્ટ્રેલિયા)એ આ વર્ષના અંત ભાગમાં જ્યારે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે આવશે ત્યારે બંને દેશની ટીમ વચ્ચે ગુલાબી બોલથી ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાડવાનો વિચાર પડતો મૂકી દીધો છે. આવી ટેસ્ટ મેચ રમવાની ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ચોખ્ખી ના પાડી દીધી છે, એને તે પણ લેખિતમાં.

બીસીસીઆઈના કાર્યવાહક સેક્રેટરી અમિતાભ ચૌધરીએ સોમવારે આ વિશે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ જેમ્સ સધરલેન્ડને લેખિતમાં જણાવી દીધું હતું.

પરિણામે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બંને ટીમ વચ્ચે ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાડવાનો વિચાર પડતો મૂકી દીધો છે.

અગાઉ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે બીસીસીઆઈને એવી ઓફર કરી હતી કે ભારતીય ટીમ આ વર્ષના ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે આવે ત્યારે બંને ટીમ વચ્ચે એડીલેડમાં ગુલાબી બોલ સાથે ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાડીએ.

પરંતુ ભારતીય બોર્ડે લેખિતમાં જણાવ્યું છે કે અમે આ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવા માટે તૈયાર નથી. બીસીસીઆઈનું કહેવું છે કે આ પ્રકારની ટેસ્ટ મેચ અમે એક વર્ષ પછી જ રમી શકીશું.

ઉલ્લેખનીય છે કે, આઈસીસીના નિયમો અનુસાર, સત્તાવાર ડે-નાઈટ ટેસ્ટ મેચ રમાડવા માટે મહેમાન (પ્રવાસી ટીમના) ક્રિકેટ બોર્ડની સહમતી જરૂરી હોય છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ અગાઉ એમ કહ્યું હતું કે અમે ટેસ્ટ ક્રિકેટને ઉત્તેજન આપવા સતત પ્રયત્નશીલ છીએ અને એના ભાગરૂપે દરેક ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસ વખતે કમસે કમ એક ડે-નાઈટ ટેસ્ટ મેચ યોજવા પ્રતિબદ્ધ છીએ. 2019ના જાન્યુઆરીમાં શ્રીલંકાની ટીમ ઓસ્ટ્રેલિયા આવશે ત્યારે પણ અમે ડે-નાઈટ ટેસ્ટ મેચ યોજવાના છીએ.

પરંતુ, ભારતીય ક્રિકેટ બોર્ડે એવી ટેસ્ટ મેચ રમવાની ના પાડી દીધી છે અને ઓસ્ટ્રેલિયાએ તેનો સ્વીકાર કરીને વિચાર પડતો મૂકી દીધો છે.

ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીની આગેવાની હેઠળના ટીમ મેનેજમેન્ટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સને સ્પષ્ટપણે જણાવી દીધું છે કે ભારતીય ટીમને ડે-નાઈટ ટેસ્ટ મેચમાં રમવા માટે તૈયાર થવા માટે હજી 18 મહિનાની જરૂર છે.

     ગુલાબી બોલથી ડે-નાઈટ મેચ સામે ભારતનો શા માટે વિરોધ છે?

ગુલાબી બોલથી ડે-નાઈટ ટેસ્ટ મેચ ન રમવા માટે ભારતીય ટીમ પાસે અમુક મજબૂત કારણો છે.

– ગુલાબી બોલ ખેલાડીઓને ઝટ નજરે ચડતો નથી

– આ પ્રકારની ફોર્મેટમાં બેટ અને બોલ વચ્ચે પર્યાપ્ત સંતુલન નથી


– દુલીપ ટ્રોફીમાં ગુલાબી ડે-નાઈટ મેચ રમાડવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. ખેલાડીઓને તે પસંદ પડ્યો નથી


– ભારતમાં હવામાનની પરિસ્થિતિ ગુલાબી બોલથી ડે-નાઈટ રમાડવા માટે યોગ્ય નથી


– ભારતના હવામાનમાં રાતના સમયે ગુલાબી બોલ રીવર્સ સ્વિંગ થતો નથી
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]