નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અત્યારે ઈજાના કારણે ટીમમાં નથી. હાર્દિકની લંડનમાં સર્જરી થઈ હતી અને બાદમાં તે પોતાની ફિટનેસ પર સખત મહેનત કરી રહ્યો છે.
ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે રમાયેલી સીરીઝની છેલ્લી મેચમાં હાર્દિક પંડ્યા મુંબઈની મેચમાં ટીમનો ઉત્સાહ વધારવા માટે પહોંચ્યો હતા. આજે હાર્દિકે પોતાનો એક વિડીયો શેર કર્યો છે. હાર્દિક પોતાની ઈજામાંથી તેજીથી સાજો થઈ રહ્યો છે અને એવી આશા રાખવામાં આવી રહી છે કે તે ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં ટીમ સાથે જોડાઈ શકે છે. ભારતની ટીમ જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરશે, જેમાં ટીમ 5 ટી-20, 3 વન-ડે, અને બે ટેસ્ટ મેચની સીરીઝ રમશે.
પંડ્યાએ કહ્યું કે, મે વિચાર્યું હતું કે આ સમય સર્જરી માટે નહી રહે કારણ કે જો મને પાછા આવતા ચાર મહિના પણ થશે તો પણ ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં અથવા તો સીરીઝમાં વચ્ચે હું પાછો આવી શકીશ. અમારું પ્લાનિંગ એ હતું કે, હું આઈસીસી ટી20 વર્લ્ડ કપમાં જતા પહેલા કેટલીક ઈન્ટરનેશનલ મેચ અને આઈપીએલની મેચમાં રમું.
હાર્દિક પંડ્યા છેલ્લે ભારતીય ટીમ તરફથી સપ્ટેમ્બર મહિનામાં ટી-20 મેચ રમ્યો હતો. ઓક્ટોબરમાં તેમણે પોતાની પીઠની સર્જરી કરાવી હતી અને બાદમાં તે ટીમથી બહાર થયો હતો. હાર્દિકે 10 ઓક્ટોબરના રોજ એક વાતચીતમાં જણાવ્યું હતું કે, મેં મારી પીઠનો ખ્યાલ રાખ્યો અને શક્ય તેટલા તમામ પ્રયત્નો કર્યા કે જેથી મારે સર્જરી ન કરાવવી પડે. પણ મેં જોયું કે હું મારું 100% આપવામાં સફળ નહોતો થઈ રહ્યો, જેનો અર્થ છે કે હું મારા પોતાની સાથે અને મારી ટીમ સાથે ન્યાય નહોતો કરી શકતો. બાદમાં મે સર્જરી કરાવવાનો નિર્ણય કર્યો.