મહિલાઓ વિશે અશ્લીલ કમેન્ટ કરવાનું ભારે પડી ગયું; હાર્દિક પંડ્યા, લોકેશ રાહુલ સસ્પેન્ડ

મુંબઈ –  બોલીવૂડ નિર્માતા કરણ જોહર સંચાલિત ટીવી શો ‘કોફી વિથ કરન’ દરમિયાન મહિલાઓ વિશે અશોભનીય કમેન્ટ્સ કરવા બદલ ક્રિકેટરો હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે સસ્પેન્ડ કરી દીધા છે. આ મામલે શરૂ કરાયેલી તપાસ જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી આ બંને જણ સસ્પેન્ડ થયેલા રહેશે. આનો મતલબ એ કે બંને જણ ઓસ્ટ્રેલિયા સામે આવતીકાલથી શરૂ થતી વન-ડે ઈન્ટરનેશનલ મેચોની શ્રેણીમાં રમી નહીં શકે.

આ બંને ક્રિકેટર હાલ ઓસ્ટ્રેલિયામાં છે અને ક્રિકેટ બોર્ડના નિર્ણયની જાણ કરાયા બાદ બંને જણ ઓસ્ટ્રેલિયાથી ભારત આવવા રવાના થઈ ગયા છે.

હાર્દિક પંડ્યાએ શો દરમિયાન પૂછાયેલા સવાલના જવાબોમાં મહિલાઓ વિરુદ્ધ કરેલી અણછાજતી કમેન્ટ કર્યા બાદ તરત જ ટ્વિટર સહિત સોશિયલ મિડિયા પર એમની સખત રીતે ઝાટકણી કાઢવામાં આવી હતી.

ક્રિકેટ બોર્ડનું સંચાલન હાલ સુપ્રીમ કોર્ટે નિમેલી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (CoA)ના વડા વિનોદ રાયએ કમેન્ટની ગંભીર નોંધ લીધી હતી અને પંડ્યા તથા રાહુલને સસ્પેન્ડ કરવાની CoAના સાથી સભ્યોને ભલામણ કરી હતી.

ક્રિકેટ બોર્ડના સૂત્રના જણાવ્યા મુજબ, પંડ્યા અને રાહુલને ક્રિકેટ બોર્ડ તરફથી નવેસરથી કારણદર્શક નોટિસ આપવામાં આવશે અને ત્યારબાદ બંને સામેની તપાસ શરૂ કરવામાં આવશે.

પહેલી કારણદર્શક નોટિસ મળ્યા બાદ પંડ્યાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર માફી માગી હતી, પરંતુ ક્રિકેટ બોર્ડ સંચાલિત CoAને તે પૂરતી જણાઈ નથી.

આ બંને જણની જગ્યાએ રિષભ પંત અને મનીષ પાંડેને ટીમમાં સામેલ કરવામાં આવે એવી શક્યતા છે. વિજય શંકર અને શ્રેયસ ઐયર પણ દાવેદાર છે.

CoA તરફથી કારણદર્શક નોટિસ મળ્યા બાદ હાર્દિક પંડ્યાએ ટ્વિટર પર લખ્યું છે કે પ્રામાણિકપણે કહું તો હું શોનાં પ્રકારને કારણે હું બહેકી ગયો હતો. કોફી વિથ કરન શોમાં મેં કહેલી વાતોથી મારાથી જો કોઈને દુઃખ પહોંચ્યું હોય તો હું એમની માગી માગું છું. કોઈની પણ લાગણીને ઠેસ પહોંચાડવાનો મારો કોઈ ઈરાદો નહોતો.

પંડ્યાએ તે શોમાં એક સવાલના જવાબમાં નિરાશાજનક અને વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. એને જ્યારે છોકરીઓ સાથે રિલેશનશિપ વિશેનો સવાલ પૂછાયો હતો ત્યારે એણે કહ્યું કે પોતાના પરિવારજનો બહુ મુક્ત વિચારોવાળાં છે. ‘હું મારા માતાપિતા સાથે સેક્સ વિશેની ચર્ચા કોઈ પ્રકારના સંકોચ વગર કરતો હોઉં છું. હું જ્યારે પહેલી વાર એક છોકરી સાથે શારીરિક સંબંધ બાંધીને ઘેર ગયો હતો ત્યારે એમને કહ્યું હતું કે  ‘આજે કરીને આવ્યો છું.’

પંડ્યાના આ જવાબથી એના ઘણા ચાહકો એનાથી નારાજ થયાં છે. ખાસ કરીને મહિલાઓએ એને ટ્વિટર પર ટ્રોલ કર્યો છે, ઝાટકણી કાઢી છે.

કરણ જોહરે જ્યારે ક્લબમાં જતી મહિલાઓ વિશે પૂછ્યું તો પંડ્યાએ કહ્યું કે પોતે મહિલાઓને એ જોતો રહેતો હોય છે કે એ લોકો શું કરે છે.

પોતાના જૂના દિવસોને યાદ કરતાં પંડ્યાએ એમ કહ્યું કે પોતે જ્યારે એનાં માતા-પિતાની સાથે એક પાર્ટીમાં ગયો હતો ત્યારે એમણે પૂછ્યું હતું કે તૂં કઈ મહિલાને જોઈ રહ્યો છે? એના જવાબમાં હાર્દિકે એક પછી એક બધી મહિલાઓ તરફ આંગળી ચીંધીને કહ્યું હતું કે હું બધીને જ જોઉં છું.

કોહલીએ પણ પંડ્યા-રાહુલને વખોડી કાઢ્યા

દરમિયાન, સિડનીમાં, ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને જ્યારે પંડ્યા-રાહુલે સર્જેલા વિવાદ વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે એણે બંને સાથી ક્રિકેટરની હરકતને વખોડી કાઢી હતી અને કહ્યું કે બંનેની કમેન્ટ અનુચિત છે. ટીમ મેનેજમેન્ટ તથા ડ્રેસિંગ રૂમ (ભારતીય ટીમ) આ બંને ખેલાડીઓની વ્યક્તિગત કમેન્ટ્સ સાથે સહમત નથી. અમે ભારતીય ક્રિકેટ ટીમ તથા જવાબદારીથી સભાન ક્રિકેટરો આ પ્રકારના મંતવ્યોને ટેકો આપતા નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]