એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટરઃ હિઝ માસ્ટર્સ (બેસૂરો) વૉઈસ

ફિલ્મઃ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર

કલાકારોઃ અનુપમ ખેર, અક્ષય ખન્ના, સુઝેન બર્નેટ

ડાયરેક્ટરઃ વિજય રત્નાકર ગુટ્ટે

અવધિઃ ૧૧૦ મિનિટ

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★1/2

પ્રખર અર્થશાસ્ત્રી પત્રકાર ડૉ. સંજય બારુ 2004થી 2008 સુધી વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહના મિડિયા ઍડવાઈઝર હતા. કહો કે, હિઝ માસ્ટર્સ વૉઈસ હતા. મનમોહનસિંહે મૅડમ સોનિયા ગાંધી-રાહુલ-એહમદ પટેલ વગેરેને પૂછ્યામૂક્યા વગર ડાયરેક્ટ એમની નિમણૂક કરેલી એટલે બધાને એ આંખમાં ઘૂસી ગયેલી કણીની જેમ ખૂંચતા હતા. એક તબક્કે એમની પર પ્રચંડ પ્રેશર આવ્યું, રાજીનામું આપી દેવાની નોબત આવી ગઈ ત્યારે એક દિવસ (પીએમઓ) પ્રાઈમ મિનિસ્ટર ઑફિસમાં બારુના શુભચિંતક એમને કહે છેઃ

“એક બાર (સોનિયા) મૅડમ કો મિલ લો, બારુ… પોલિટિક્સ મેં કૉમ્પ્રોમાઈઝ કરના પડતા હૈ”!

બારુનો જવાબઃ “મૈં પોલિટિશિયન નહીં હૂં… મૈં જર્નલિસ્ટ હૂં ઔર વહાં ચમચાગીરી કે નહીં, જિદ્દ કે માર્ક્સ મિલતે હૈ”.

2008માં નોકરી છોડ્યા બાદ બારુ પીએમઓનાં સંસ્મરણ પુસ્તકબદ્ધ કરે છે. 2014માં પ્રકાશિત થયેલા એમના પુસ્તક, ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ પર આધારિત છે વિજય રત્નાકર ગુટ્ટેની ફિલ્મઃ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’, જેમાં અક્ષય ખન્ના બન્યો છે બારુ. એ કથાકાર પણ છેઃ ફિલ્મમાં વચ્ચે વચ્ચે કૅમેરા સામે જોઈને એ હવે પછી શું?નો ચિતાર આપતો રહે છે. કમનસીબે ફિલ્મ, ઓવરઓલ, નિરાશાજનક છે.

‘યુપીએ’નાં એ દસ વર્ષ ભારતીય રાજકારણ માટે ઘણાં મહત્ત્વનાં છે એ કબૂલ, પણ ન મનમોહનસિંહ ન સંજય બારુ એવાં કોઈ રસપ્રદ કેરેક્ટર છે, જેને જોવા સિનેમાપ્રેમી થિયેટર ભણી દોટ મૂકે. વળી આ ફિલ્મ માત્ર અને માત્ર એવા લોકો માટે છે, જેમને પોલિટિક્સમાં રસ છે, અમેરિકા (જ્યૉર્જ બુશ) સાથે ન્યૂક્લિયર ડીલ (જેને મોટા ભાગનો સમય આપવામાં આવ્યો છે), સત્તાની સાઠમારી, ડાબેરી પક્ષનું જક્કી વલણ આ બધું જેને ખબર હોય. આને માટે નબળાં લેખન-દિગ્દર્શન જવાબ દાર છે. હા, અમુક સીનમાં રમૂજ ફૂટી છે. જેમ કે પીએમઓમાં અહંની ટક્કરઃ મંત્રીમંડળ વડા પ્રધાનને એક અગત્યની ફાઈલ આપે છે. એ ફાઈલ વડા પ્રધાને ટેબલ પર મૂકી કે ફંગોળી? આ ચર્ચાનો વિષય બની જાય છે.

ફિલ્મનો ઉપાડ 2004ના જનરલ ઈલેક્શન્સનાં પરિણામથી થાય છે. યુપીએને બહુમત મળે છે. સૌ ઈચ્છે છે કે સોનિયા ગાંધી (સુઝેન બર્નેટ) વડા પ્રધાન બને છે. કટ-ટુ કૉંગ્રેસ મોવડીમંડળની એક મિટિંગ, જેમાં રાહુલ ગાંધી એનાં મમ્મી, કૉંગ્રેસપ્રમુખ સોનિયાજી સાથે ઈટાલિયન ભાષામાં વાત કરે છે. ઉપસ્થિત નેતા (અહમદ પટેલ-કપિલ સિબ્બલ-પ્રણવ મુખર્જી, વગેરે) લોગને કંઈ ખબર પડતી નથી કે દીકરાએ માને શું કહ્યું. પૉઈન્ટ ટુ બી નોટેડઃ સોનિયા ગાંધી પર સતત ઈલ્ઝામ લાગતો રહ્યો છે કે એ ઈન્ડિયાનાં નથી… એ તો ઈટલીનાં છે, પણ ફિલ્મમાં એક સંવાદ ઈટાલિયન ભાષામાં છે ને એ રાહુલ બોલે છે. ખેર. સોનિયાજી ‘માસ્ટરસ્ટ્રોક’ મારે છેઃ એ મનમોહનસિંહ (અનુપમ ખેર)ને વડા પ્રધાનપદ સોંપે છે. એ પછી ફિલ્મ રગશિયા ગાડાની જેમ ખેંચાતી આગળ વધે છે.

સેકન્ડ હાફમાં મનમોહનસિંહની સેકન્ડ ટર્મ શરૂ થાય છે ને ફિલ્મમાં કોઈ કાનાફુસી કરતું હોય એમ બોલે છેઃ યે ઈલેક્શન રાહુલ કે બસ કા નહીં હૈ. વાત 2009ના ઈલેક્શનની છે. ફિલ્મમાં સતત એવું બતાવવામાં આવ્યું છે કે મનમોહનસિંહને પોતાની મેળે કોઈ નિર્ણય લેવા દેવામાં આવ્યા નહીં, ડગલે ને પગલે એમને અપમાનિત કરવામાં આવ્યા.

અનુપમ ખેરએ મનમોહનસિંહનું પાત્ર મિમિક્રીથી થોડું બેટર ભજવ્યું છે, પણ એ કામ કરી જાય છે. ધીમો અવાજ, બાહોશ અર્થશાસ્ત્રી, પણ પક્ષ (ગાંધીફૅમિલી વાંચો) સામે લાચારીના હાવભાવ, આત્મવિશ્વાસના રણકાનો અભાવ, વગેરે પરફેક્ટ્લી રજૂ કર્યું છે. અક્ષય ખન્ના પણ સ-રસ. જો કે એની વસ્ત્રસજ્જા જેણે પણ કરી છે એ એનું કેરેક્ટર સમજ્યો (કે સમજી) નથી. આ સિવાય, અટલ બિહારી બાજપાઈ-એલકે અડવાની-પીવી નરસિંહ રાવ-અમરસિંહ-ચિદંબરમ-કપિલ સિબ્બલ-નવીન પટનાયક (જે ફિલ્મના ક્રિયેટિવ પ્રોડ્યુસર હંસલ મહેતાએ ભજવી છે), વગેરે છૂટાછવાયા સીન્સમાં દેખાતા રહે છે. ‘ધ હિંદુ’ અખબારના તંત્રી એન. રામની ભૂમિકામાં આપણા દીપક ઘીવાલા છે. એહમદ પટેલને અને સોનિયા ગાંધીને રીતસરનાં વિલન ચીતરવામાં આવ્યા છે. અર્જુન માથુર બન્યો છે રાહુલ, જેને જાણીબૂજીને બાઘો બતાવવામાં આવ્યો છે. યાદ છેને થોડા જ સમયમાં (2019-એપ્રિલ-મે) ઈલેક્શન છે? કદાચ સર્જક એવું કહેવા માગે છે કે મનમોહનસિંહ દેશ માટે પરફેક્ટ પીએમ હતા. જો રાહુલને તમે (પ્રજા) ચૂંટશો તો એ ખરેખર એક્સિડન્ટ હશે.

ટૂંકમાં, આપણે સ્કૂલમાં ભણતા ત્યારે રીતના માર્ક્સ આપવામાં આવતા. હું આ ફિલ્મને અઢી સ્ટાર એટલા માટે આપું છું કેમ કે કોઈકે આ પ્રકારની (ઑથેન્ટિક) પોલિટિકલ સૅટાયર બનાવવાની કોશિશ કરી.

(જુઓ ‘એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’નું ટ્રેલર)

httpss://youtu.be/q6a7YHDK-ik