માઉન્ટ મોન્ગેનૂઈ – મિડલ ઓર્ડર બેટ્સમેન કોલીન ડી ગ્રેન્ડહોમે આજે અહીં બૅ ઓવલ મેદાન પર રમાઈ ગયેલી ત્રીજી અને સિરીઝની આખરી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં 28-બોલમાં 58 રન ઝૂડી કાઢતાં ન્યૂઝીલેન્ડે ભારતને પાંચ-વિકેટથી કચડી નાખ્યું અને એ સાથે સિરીઝમાં ભારતનો વ્હાઈટવોશ (0-3) પરાજય થયો. આમ કરીને ગૃહ ટીમે T20I સિરીઝમાં થયેલા પરાજયનો ટીમ ઈન્ડિયા પર બદલો લઈ લીધો છે.
31 વર્ષમાં આ પહેલી જ વાર ભારતને આવો વ્હાઈટવોશ પરાજય સહન કરવો પડ્યો છે.
ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતે લોકેશ રાહુલની સદી (112) અને શ્રેયસ ઐયરના 62 રનના યોગદાન સાથે 50 ઓવરમાં 7 વિકેટના ભોગે 296 રનનો ચેલેન્જિંગ સ્કોર ખડો કર્યો હતો.
પણ ન્યૂઝીલેન્ડે 47.1 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 300 રન કરીને મેચ જીતી બતાવી. માર્ટિન ગપ્ટીલ (66) અને ‘પ્લેયર ઓફ ધ મેચ’ હેન્રી નિકોલ્સ (80)ની ઓપનિંગ જોડીએ 16.3 ઓવરમાં 106 રનની ભાગીદારી કરતાં ટીમની જીતનો મજબૂત પાયો રચાયો હતો. કેપ્ટન વિલિયમ્સન 22 અને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ રોસ ટેલર (12) અને જેમ્સ નિશમ (19)ની વિકેટો પડતાં ભારત માટે મેચ બચાવવાની થોડીક આશા જાગી હતી, પણ વિકેટકીપર ટોમ લેધમ (અણનમ 32) અને ગ્રેન્ડહોમની જોડીએ 80 રનની અતૂટ ભાગીદારી કરીને ભારતને જીતવા દીધું નહોતું.
ગ્રેન્ડહોમે એના દાવમાં 3 સિક્સર અને 6 બાઉન્ડરી ફટકારી હતી. લેધમ 34 બોલ રમ્યો હતો જેમાં 3 ચોગ્ગા હતા.
લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલે 10 ઓવરમાં 47 રન આપીને 3 વિકેટ લીધી હતી. ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજાએ 10 ઓવર ફેંકીને 45 રનમાં 1 વિકેટ લીધી હતી. બે ફાસ્ટ બોલર ખૂબ ઝૂડાઈ ગયા હતા. શાર્દુલ ઠાકુરે 9.1 ઓવરમાં 87 રન આપ્યા હતા તો નવદીપ સૈનીની 8 ઓવરમાં 68 રન ફટકારવામાં આવ્યા હતા.
ભારતના દાવનો આરંભ નિરાશાજનક રહ્યો હતો. ઓપનર મયંક અગ્રવાલ માત્ર 1 રન કરી શક્યો હતો, તો કેપ્ટન વિરાટ કોહલી 9 રન બનાવી શક્યો હતો. પૃથ્વી શો (40) અને ઐયરે 30 રનની ભાગીદારી કર્યા બાદ ઐયર અને રાહુલની જોડીએ બીજા 100 રન ઉમેર્યા હતા. ઐયરના 63 બોલના દાવમાં 9 ચોગ્ગા હતા, તો રાહુલે એની ચોથી વન-ડે સદીના દાવમાં બે સિક્સર અને 9 બાઉન્ડરી ફટકારી હતી. એણે 113 બોલનો સામનો કર્યો હતો. મનીષ પાંડેએ 42 રન કર્યા બાદ જાડેજા અને સૈની 8-8 રન કરીને નોટઆઉટ રહ્યા હતા.
સિરીઝમાં ભારતનો વ્હાઈટવોશ પરાજય (3 કે તેથી વધુ ODI મેચ)
0-5 વેસ્ટ ઈન્ડિઝ સામે – 1983-84
0-5 વેસ્ટ ઈન્ડિઝ સામે – 1988-89
0-3 ન્યૂઝીલેન્ડ સામે – 2020
(2006-07માં દક્ષિણ આફ્રિકા સામે ભારત 0-4થી હાર્યું હતું, પરંતુ 1 મેચ પડતી મૂકાઈ હતી)