નવી દિલ્હીઃ ગઈ કાલે લખનઉના ઈકાના સ્ટેડિયમમાં રમાઈ ગયેલી બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 6-વિકેટથી હરાવીને 3-મેચની શ્રેણીને 1-1થી બરાબર કરી. આ મેચ બહુ ઓછા સ્કોરવાળી રહી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 99 રન કરી શકી હતી અને તેના જવાબમાં ભારતે 19.5 ઓવરમાં 4 વિકેટના ભોગે 101 રન કરીને મેચ જીતી લીધી. શ્રેણીની ત્રીજી અને આખરી મેચ 1 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે. જે શ્રેણીનું પરિણામ લાવશે.
ભારતના ભૂતપૂર્વ ડાબોડી ઓપનર ગૌતમ ગંભીર અને ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર જેમ્સ નિશામને જોકે ઈકાના સ્ટેડિયમની પિચના સ્વરૂપથી ખુશ નથી અને તેમણે એની ટીકા કરી છે. ગંભીરે કહ્યું, પ્રામાણિકપણે કહું તો એ બહુ ઉતરતી કક્ષાની પિચ હતી અને T20 મેચને યોગ્ય નહોતી. ભારતના બેટરો સ્પિન બોલિંગ સામે જે રીતે રમ્યા હતા એ જોઈને મને આશ્ચર્ય થયું હતું. તેઓ વધારે સારી રીતે રમી શક્યા હોત. ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ સારી ટક્કર આપી હતી. મિચેલ સેન્ટનરનું નેતૃત્ત્વ પણ ઉત્તમ હતું. તેઓ મેચને કેટલી છેક સુધી ખેંચી ગયા. જેમ્સ નિશામે કહ્યું, લખનઉની ચિકણી લાલ-માટીવાળી પિચ પર એકેય બેટરને ઝળકવાનો મોકો મળ્યો નહોતો. લખનઉના દર્શકોને સાવ મેચના અંતભાગમાં કંઈક મનોરંજન મળ્યું. આ પિચ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં જોવા મળતા હોય છે એવા સ્ટ્રોક-પ્લે માટે અનુકૂળ નહોતી.