બેંગલુરુઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની સાથે છ વર્ષમાં પહેલી વાર આવું થયું છે. જેથી તેના ફેન્સ આ સહન નથી થતું. વિરાટ કોહલીને દરેક ક્રિકેટપ્રેમી બહુ પ્રેમ કરે છે અને ઇચ્છે છે કે કોહલી બહુ જલદી તે પહેલાંથી વધુ ખતરનાક બની જાય. વર્ષ 2017 પછી પહેલી વાર એવું થયું છે કે ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીની બેટ્સમેનની સરેરાશ 50થી નીચે જતી રહી છે.
વિરાટે છેલ્લાં બે વર્ષ કરતાં વધુ સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈ સદી નથી ફટકારી. એ દરમ્યાન તેની સરેરાશ 50થી વધુ રહી છે, પણ હવે એ ટેસ્ટમાં એની સરેરાશ 50થી નીચે આવી ગઈ છે. વિરાટે શ્રીલંકાની સામે બીજી ટેસ્ટ મેચમાં પહેલી ઇનિંગ્સમાં 23 અને બીજી ઇનિંગ્સમાં માત્ર 13 રન બનાવ્યા હતા. કોહલીને શ્રીલંકાની સામે બીજી ટેસ્ટમાં કમસે કમ 42 રન બનાવવાના હતા. જેથી તેની સરેરાશ જળવાઈ રહેત. કોહલી હાલ નબળા ફોર્મમાં છે. જેથી તેની સરેરાશ છ વર્ષ બાદ 50થી નીચે આવી ગઈ છે.
વિરાટે છેલ્લી સદી 2019માં બંગલાદેશની સામે ફટકારી હતી. વિરાટની 70મી સદી સુધી તેની સરેરાશ 54.97ની હતી, પણ હવે વિરાટની હાલની સરેરાશ 49.96ની છે. 33 વર્ષના વિરાટે ભારત માટે 101 ટેસ્ટ મેચ રમી છે. આ દરમ્યાન 171 ઇનિંગ્સ રમી હતી, જેમાં કુલ 8043 રન બનાવ્યા હતા. તનો સૌથી મોટો સ્કોર 254 રનનો છે. વિરાટે ટેસ્ટમાં 27 સદી અને 28 અર્ધ સદી ફટકારી છે. તેણે સાત બેવડી સદી પણ ફટકારી છે.