બુમરાહે કપિલ દેવના વિક્રમની બરોબરી કરી

બેંગલુરુઃ અહીંના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે શ્રીલંકા સામે રમાતી બીજી અને શ્રેણીની આખરી તેમજ પિંક-બોલ (ડે-નાઈટ) ટેસ્ટ મેચમાં ભારતના ફાસ્ટ બોલર તથા વાઈસ-કેપ્ટન જસપ્રિત બુમરાહે પ્રવાસી ટીમના પહેલા દાવમાં પાંચ વિકેટ લઈને ભૂતપૂર્વ કેપ્ટન અને ફાસ્ટ બોલર કપિલ દેવના વિક્રમની બરોબરી કરી છે. મેચના આજે બીજા દિવસે, બુમરાહે 10 ઓવરમાં 24 રન આપીને પાંચ વિકેટ લેતાં શ્રીલંકાનો પહેલો દાવ માત્ર 109 રનમાં પૂરો થયો હતો. ઓફ્ફ સ્પિનર અશ્વિન અને ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ બબ્બે વિકેટ લીધી હતી. ભારતે પહેલા દાવમાં 59.1 ઓવર રમીને 252 રન કર્યા હતા. મોહાલીમાં રમાઈ ગયેલી પહેલી ટેસ્ટ મેચ જીતીને ભારતીય ટીમ હાલ 1-0થી આગળ છે.

ટેસ્ટ ક્રિકેટમાં એક દાવમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ બુમરાહે આ આઠમી વખત હાંસલ કરી છે. 29 ટેસ્ટ બાદ આ સિદ્ધિ હાંસલ કરીને બુમરાહ હવે કપિલ દેવની સાથે થયો છે. બુમરાહે વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ધરતી પર દાવમાં પાંચ-વિકેટ લેવાની સિદ્ધિ બે વખત મેળવી છે જ્યારે ઓસ્ટ્રેલિયા અને ઘરઆંગણે એક-એક વાર મેળવી છે. આજે શ્રીલંકા સામે એણે 24 રનમાં પાંચ વિકેટ લેવાની મેળવેલી સિદ્ધિ ભારતીય ફાસ્ટ બોલર દ્વારા શ્રેષ્ઠ દેખાવ બન્યો છે. આ પહેલાં ઈશાંત શર્માએ 2015માં કોલંબોમાં 54 રનમાં પાંચ વિકેટ લીધી હતી. 29 ટેસ્ટમાં બુમરાહની કુલ વિકેટનો આંક 120 થયો છે. શ્રીલંકાનો પહેલો દાવ વહેલો સમેટી લઈને અને 143 રનની લીડ મેળવીને ભારતે તેનો બીજો દાવ શરૂ કર્યો હતો. કેપ્ટન રોહિત શર્માએ ટીમનો બીજો દાવ 9 વિકેટે 303 રને ડિકલેર કર્યો હતો. પહેલા દાવમાં સૌથી વધુ 92 રન કરનાર મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયર બીજા દાવમાં પણ ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો. એ 67 રન કરીને આઉટ થયો હતો. મયંક અગ્રવાલે 22, રોહિત શર્માએ 46, હનુમા વિહારીએ 35, વિરાટ કોહલીએ 13, વિકેટકીપર રિષભ પંતે 31 બોલમાં 50, રવિન્દ્ર જાડેજાએ 22, અશ્વિને  13 રન કર્યા હતા. શ્રીલંકાને મેચ જીતવા માટે 447 રનનો ટાર્ગેટ મળ્યો છે. બીજા દિવસની રમતને અંતે તેણે પોતાના બીજા દાવમાં લહિરુ થિરિમન્ને (0)ની વિકેટ ગુમાવીને 28 રન કર્યા હતા. થિરિમન્નેને બુમરાહે દાવની પહેલી જ ઓવરના ત્રીજા બોલે એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. દિવસને અંતે દિમુથ કરુણારત્ને (10) અને કુસલ મેન્ડિસ (16) દાવમાં હતો.