ફિફા વર્લ્ડ કપ-2022નો રંગારંગ ઉદઘાટન સમારોહ…

દોહાઃ કતરના અલ બાયત સ્ટેડિયમમાં ગઈ કાલે ભવ્ય, આકર્ષક અને સંગીતમય ઉદઘાટન સમારોહ સાથે ફૂટબોલ વર્લ્ડ કપ-2022નો આરંભ કરવામાં આવ્યો હતો. સમારોહમાં 85-વર્ષીય અમેરિકન ફિલ્મ અભિનેતા મોર્ગન ફ્રીમેને ભાષણ કર્યું હતું અને કહ્યું હતું કે. ‘ફૂટબોલની સુંદર રમત દુનિયાનાં દેશોને એકત્રિત કરે છે. સમાજોને નિકટ લાવે છે.’

)

 

60 હજાર દર્શકોની ક્ષમતાવાળું સ્ટેડિયમ ભવ્ય રોશની અને ઝાકઝમાળતાથી સુંદર દેખાતું હતું, જે દર્શકોથી ખીચોખીચ ભરાયેલું હતું.

ભૂતકાળની તમામ ફૂટબોલ વર્લ્ડ કપ સ્પર્ધાઓના મેસ્કોટની રંગબેરંગી રજૂઆત શોની વિશેષતા બની રહી હતી.

ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન ડેવિડ બેકહેમ દર્શકગણમાં બેઠો હતો. તે કતર-2022 સ્પર્ધાનો ‘એમ્બેસેડર’ નિયુક્ત કરાયો છે.

લગભગ એક કલાક સુધી ચાલેલા ઉદઘાટન સમારોહનો ખરો હીરો બની રહ્યો આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય પોપ-બેન્ડ ‘બીટીએસ’નો જંગ કુક, જેણે પોતાનું નવું ગીત ‘ડ્રીમર્સ’ ગાઈને રંગ જમાવ્યો હતો અને દર્શકોને મુગ્ધ કરી દીધા હતા. પરફોર્મન્સમાં આ સાઉથ કોરિયન ઈન્ટરનેશનલ સુપરસ્ટાર ગાયક સાથે અનેક ડાન્સરો પણ જોડાયાં હતાં.

પરફોર્મન્સ પૂરા થયા બાદ કતરના અમીર શેખ તમીમ બિન હમાદ અલ-થાનીએ અંગ્રેજીમાં ભાષણ કર્યું હતું અને સૌને આવકાર આપ્યો હતો અને ખેલાડીઓને શુભેચ્છા આપી હતી.

પ્રારંભિક મેચમાં ઈક્વાડોરે કતરને 2-0થી હરાવ્યું

ઉદઘાટન સમારોહ પૂરો થયા બાદ સ્પર્ધાની પ્રારંભિક મેચ રમાઈ હતી, જેમાં ગ્રુપ-Aમાં, ઈક્વાડોરે યજમાન કતરને 2-0 ગોલથી હરાવ્યું હતું. ફૂટબોલ વર્લ્ડ કપના ઈતિહાસમાં આ પહેલી જ વાર બન્યું છે કે યજમાન ટીમ ઓપનિંગ મુકાબલામાં હારી ગઈ હોય. ઈક્વાડોરે મેચની 16મી અને 31મી મિનિટે ગોલ કર્યો હતો. બંને ગોલ એનર વેલેન્શિયાએ કર્યા હતા.

વિજેતા ટીમને કેટલું ઈનામ મળશે?

કતર-2022 વર્લ્ડ કપ સ્પર્ધા 18 ડિસેમ્બરે ફાઈનલ મેચ સાથે પૂરી થશે. 32 ટીમોને A-H એમ 8-ગ્રુપમાં વહેંચી દેવામાં આવી છે. ગ્રુપ-Aમાં ઈક્વાડોર, કતર, નેધરલેન્ડ્સ અને સેનેગલ છે. B-ગ્રુપમાં ઈંગ્લેન્ડ, ઈરાન, અમેરિકા અને વેલ્સ છે. C-ગ્રુપમાં આર્જેન્ટિના, મેક્સિકો, પોલેન્ડ અને સાઉદી અરેબિયા છે. D-ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા, ડેન્માર્ક, ફ્રાન્સ, ટ્યુનિશિયા છે. E-ગ્રુપમાં કોસ્ટા રીકા, જર્મની, જાપાન અને સ્પેન છે. F-ગ્રુપમાં બેલ્જિયમ, કેનેડા, ક્રોએશિયા અને મોરોક્કો છે. G-ગ્રુપમાં બ્રાઝિલ, કેમેરુન, સર્બિયા, સ્વિટ્ઝરલેન્ડ છે જ્યારે H-ગ્રુપમાં ઘાના, સાઉથ કોરિયા, પોર્ટુગલ અને ઉરુગ્વે છે.

વિજેતા ટીમને 4 કરોડ 20 લાખ ડોલરનું રોકડ ઈનામ મળશે. રનર્સ-અપ ટીમને 3 કરોડ ડોલરનું ઈનામ મળશે. ત્રીજા નંબરની ટીમને 2 કરોડ 70 લાખ ડોલરનું ઈનામ મળશે, તો ચોથા ક્રમે આવનારી ટીમને 2 કરોડ 50 લાખનું ઈનામ મળશે.

(તસવીર સૌજન્યઃ @FIFAWorldCup)