બેન સ્ટોક્સ ભારત સામે બીજી ટેસ્ટમાં નહીં રમે

લંડન – પાંચ ટેસ્ટ મેચોની સિરીઝમાં ઈંગ્લેન્ડે ભારત પર 1-0ની સરસાઈ મેળવી છે. એજબેસ્ટનમાં પહેલી ટેસ્ટ મેચ 31 રનથી જીતી લીધા બાદ હવે બંને ટીમ 9 ઓગસ્ટથી અહીંના લોર્ડ્સ મેદાન પર ટકરાશે.

બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડે એના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ વિના રમવું પડશે. સ્ટોક્સને એક કેસની સુનાવણી માટે કોર્ટમાં ફરજિયાત હાજર થવું પડ્યું છે. જાહેરમાં મારામારી કરવાનો બેન્જામીન (બેન) પર આરોપ મૂકાયો છે. એ બનાવ 2017ની 25 સપ્ટેંબરે મધ્ય બ્રિસ્ટોલમાં બન્યો હતો.

સ્ટોક્સે પહેલી ટેસ્ટમાં ભારતને હરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભારતના બીજા દાવમાં ચોથા દિવસની સવારે એણે કેપ્ટન વિરાટ કોહલી સહિત ત્રણ વિકેટ ઝડપી હતી અને છેલ્લે હાર્દિક પંડ્યાને પણ આઉટ કર્યો હતો. એણે કુલ 40 રનમાં 4 વિકેટ લીધી હતી.

બીજી ટેસ્ટમાં સ્ટોક્સનું સ્થાન ક્રિસ વોક્સ લે એવી ધારણા છે.