ઈંગ્લેન્ડ-ટીમ પોતાના રસોઈયાને પાકિસ્તાનના પ્રવાસે લઈ જશે

લંડનઃ હાલમાં જ ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ જીતનાર ઈંગ્લેન્ડની ટીમ હવે ટેસ્ટ મેચોની શ્રેણી રમવા પાકિસ્તાન જવાની છે, પરંતુ ત્યાં એ પોતાનો શેફ સાથે લઈ જવાની છે. આનું કારણ એ છે કે ગયા સપ્ટેમ્બરમાં એ T20I શ્રેણી રમવા પાકિસ્તાન ગઈ હતી ત્યારે એના ખેલાડીઓને ભોજનની બાબતમાં બહુ તકલીફ વેઠવી પડી હતી. એમને ભાવતું અને સારી ગુણવત્તાવાળું ભોજન મળ્યું નહોતું. એને કારણે કેટલાકની તબિયત બગડી ગઈ હતી. સ્ટેડિયમોમાંનું ભોજન પણ એમને બરાબર લાગ્યું નહોતું. હવે એમની સાથે એમનો પોતાનો રસોઈયો હશે જે એમને ભાવતાં અને ક્વોલિટીસભર ભોજન બનાવીને ખવડાવશે.

ઈંગ્લેન્ડની ટીમ ગયા સપ્ટેમ્બરમાં પાકિસ્તાનમાં સાત ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચની શ્રેણી રમી હતી. જેમાં તેણે પાકિસ્તાનને 4-3થી પરાજય આપ્યો હતો. બાદમાં બેઉ ટીમ વર્લ્ડ કપ રમવા ઓસ્ટ્રેલિયા ગઈ હતી. હવે ઈંગ્લેન્ડની ટીમ 3 ટેસ્ટ મેચની દ્વિપક્ષી શ્રેણી રમવા પાકિસ્તાન જશે. પહેલી ટેસ્ટ 1 ડિસેમ્બરથી રાવલપીંડીમાં, બીજી મેચ 9 ડિસેમ્બરથી મુલતાનમાં અને ત્રીજી 17 ડિસેમ્બરથી કરાચીમાં રમાશે.