ધવન, રાહુલની ઓપનિંગ ભાગીદારીએ કોલકાતા ટેસ્ટમાં ભારતને પકડ અપાવી

કોલકાતા – ઓપનરો શિખર ધવન અને લોકેશ રાહુલ, બંનેએ આજે હાફ સેન્ચૂરી ફટકારીને અહીં ઈડન ગાર્ડન્સ મેદાન ખાતે શ્રીલંકા સામે રમાતી પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને જોરદાર કમબેક કરાવી આપ્યું છે. બંનેએ મેચના આજે ચોથા દિવસે ભારતના બીજા દાવમાં ૧૬૬ રનની ભાગીદારી કરતાં ટીમે એક વિકેટના ભોગે ૧૭૧ રનનો સ્કોર નોંધાવ્યો હતો અને પ્રવાસીઓ કરતાં ભારત હવે ૪૯ રન આગળ છે.

ભારતના પહેલા દાવના ૧૭૨ રનના સ્કોરના જવાબમાં શ્રીલંકાનો પહેલો દાવ ૨૯૪ રનમાં પૂરો થયો હતો. ભારતીય ટીમે ૧૨૨ રનની ખાધ સાથે બીજો દાવ શરૂ કર્યો હતો અને પહેલા દાવમાં નિષ્ફળ ગયેલા ધવન અને રાહુલે શ્રીલંકાના બોલરોનો મક્કમતાથી સામનો કર્યો હતો.

ધવન માત્ર ૬ રન માટે એની સાતમી સદી ચૂક્યો હતો. એણે ૧૧૬ બોલમાં ૧૧ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૯૪ રન કર્યા હતા. સામે છેડે રાહુલ ૮ બાઉન્ડરી સાથે ૭૩ રન સાથે દાવમાં હતો. એની સાથે ચેતેશ્વર પૂજારા બે રન સાથે દાવમાં હતો.

આજે પણ ઝાંખા પ્રકાશને કારણે રમત વહેલી બંધ કરી દેવી પડી હતી.

અગાઉ, શ્રીલંકાને ભારત ઉપર ૧૨૨ રનની મહત્વની સરસાઈ મેળવવામાં એના ડાબોડી સ્પિનર રંગના હેરાથે મોટું યોગદાન આપ્યું હતું. એણે ૧૦૫ બોલમાં ૯ ચોગ્ગાની મદદથી ૬૭ રન કરીને ભારતના બોલરોને ખૂબ હંફાવ્યા હતા.

શ્રીલંકાએ ૪ વિકેટે ૧૬૫ રનનો તેનો ગત દિવસનો અધૂરો પહેલો દાવ આજે આગળ વધાર્યો હતો. ભારતના બોલરોએ ૭૯ રનમાં શ્રીલંકાની વધુ ૪ વિકેટ પાડી હતી, પણ ૩૯ વર્ષના હેરાથે દિલરુવાન પરેરા (5) સાથે મળીને ૪૩ રન ઉમેર્યા હતા. પરેરાની વિકેટ પડ્યા બાદ હેરાથે સુરંગા લકમલ (૧૬)ની સાથે ૯મી વિકેટ માટે ૪૬ રનની ભાગીદારી કરી હતી. હેરાથ ૯મી વિકેટના રૂપમાં આઉટ થયો હતો અને લકમલના આઉટ થતાં જ શ્રીલંકાનો પહેલો દાવ ૨૯૪ રનમાં પૂરો થયો હતો.

ભારતના બે ફાસ્ટ બોલરો – મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમારે વ્યક્તિગત ચાર વિકેટ ઝડપી હતી. શમીએ એની ચારેય વિકેટ આજે ઝડપી હતી.

અન્ય બે વિકેટ ત્રીજા ફાસ્ટ બોલર ઉમેશ યાદવને ભાગે આવી છે.

શમીનો દિવસનો પહેલો સ્પેલ આમ હતોઃ 7-0-19-2.