ચેક પ્રજાસત્તાકનાં ભૂતપૂર્વ વિમ્બલ્ડન ચેમ્પિયન યાના નોવોત્નાનું (૪૯) નિધન

પ્રાગ (ચેક રીપબ્લિક) – ભૂતપૂર્વ મહિલા વિમ્બલ્ડન સિંગલ્સ ચેમ્પિયન યાના નોવોત્નાનું ૪૯ વર્ષની વયે કેન્સરની બીમારીને કારણે નિધન થયું છે.

વિમેન્સ ટેનિસ એસોસિએશન દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

નોવોત્નાએ ૧૯૯૮માં વિમ્બલ્ડન ટાઈટલ જીત્યું હતું. એમણે ત્યારે ફાઈનલ મેચમાં ફ્રાન્સની નતાલી ટૌઝિયાટને હરાવી હતી.

નોવોત્નાનાં અંતિમ સમયે એમનાં પરિવારજનો એમની પડખે હતાં.

નોવોત્ના વિમ્બલ્ડન સ્પર્ધામાં અગાઉ બે વાર સિંગલ્સ ફાઈનલમાં પણ પહોંચ્યાં હતાં, પણ ૧૯૯૩માં સ્ટેફી ગ્રાફ સામે અને ૧૯૯૭માં માર્ટિના હિન્ગીસ સામે હારી ગયાં હતાં.

નોવોત્નાએ ૧૯૮૯ અને ૧૯૯૦માં સાથી ચેક રીપબ્લિક ખેલાડી હેલેના સુકોવાની સાથે મળીને તેમજ ૧૯૯૫માં આરાંચા સાન્ચેઝ-વિકેરિઓ અને ૧૯૯૮માં માર્ટિના હિન્ગીસ સાથે મળીને, એમ કુલ ચાર વખત વિમ્બલ્ડન ડબલ્સ ટ્રોફી પણ જીતી હતી.

નોવોત્ના કાયમ મેચમાં રમતી વખતે માથાં પર હેડબેન્ડ પહેરતાં હતાં અને એ માટે જાણીતાં થયાં હતાં. એમણે કુલ ચાર ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ્સ જીતી હતી.

૧૯૬૮ની બીજી ઓક્ટોબરે જન્મેલાં નોવોત્નાએ ૧૯૮૭થી લઈને ૧૯૯૯ સુધીમાં એમની સમગ્ર કારકિર્દીમાં ૨૪ સિંગલ્સ ટ્રોફી અને ૭૬ ડબલ્સ ટ્રોફીઓ જીતી હતી.