મેલબર્નઃ હાર્ડ કોર્ટ પર રમાતી ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ સ્પર્ધામાં સર્બિયાના 33-વર્ષીય નોવાક જોકોવિચનું વર્ચસ્વ યથાવત્ રહ્યું છે. અહીં મેલબર્ન પાર્કમાં આજે રમાઈ ગયેલી મેન્સ સિંગલ્સ ફાઈનલ મેચમાં જોકોવિચે રશિયાના 25-વર્ષના ડાનિલ મેડવેડેવને 7-5, 6-2, 6-2 સ્કોરથી હરાવીને સતત ત્રીજી વાર ટ્રોફી જીતી હતી.
આ સાથે જોકોવિચે જીતેલા કુલ ગ્રાન્ડસ્લેમ ટાઈટલ્સની સંખ્યા 18 પર પહોંચી છે. હવે તે એના બે કટ્ટર હરીફ – રોજર ફેડરર અને રાફેલ નડાલ કરતાં બે ટાઈટલ્સ પાછળ છે. ફેડરર અને નડાલ 20-20 ગ્રાન્ડસ્લેમ ટાઈટલ્સ જીત્યા છે. જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેન્સ સિંગલ્સ ફાઈનલમાં 9 વખત પહોંચ્યો છે અને તમામ 9 વખત ચેમ્પિયન બન્યો છે.