કરાચી – સ્પોટ-ફિક્સિંગના ગુના બદલ આજીવન પ્રતિબંધની સજા ભોગવી રહેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ લેગસ્પિનર અને પાકિસ્તાનના લઘુમતી હિન્દુ નાગરિક, દાનિશ કનેરિયાએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને પાકિસ્તાન સરકાર સામે નવેસરથી આક્ષેપો કર્યા છે અને કહ્યું છે કે પોતાને ક્રિકેટની રમતમાંથી પ્રતિબંધિત કરાયા બાદ એને કોઈ પ્રકારની મદદ કરવામાં આવી નહોતી.
યૂટ્યૂબ સહિત સોશિયલ મિડિયા પર કનેરિયાએ કહ્યું કે મારી પર પ્રતિબંધ મૂકાયા બાદ મને ક્રિકેટ બોર્ડ કે પાકિસ્તાન સરકાર તરફથી કોઈ પ્રકારની મદદ કરવામાં આવી નહોતી, જ્યારે પાકિસ્તાન વતી રમતા બીજા ખેલાડીઓને આવી જ પરિસ્થિતિમાં પીસીબી તરફથી મદદ કરવામાં આવી હતી અને એમનું સમ્માન પણ કરવામાં આવ્યું છે. તેથી શોએબ અખતરે જે દાવો કર્યો છે એ સાચો છે.
39 વર્ષીય કનેરિયાએ કહ્યું છે કે મુસ્લિમ બહુમતીવાળા દેશમાં હું હિન્દુ હોવા છતાં પાકિસ્તાનનાં નાગરિકોએ ક્યારેય મારી સાથે ભેદભાવ રાખ્યો નથી.
‘પાકિસ્તાનના લોકોએ ક્યારેય ધર્મના આધારે મારી સાથે ભેદભાવ કર્યો નથી. મને ગર્વ છે કે હું પાકિસ્તાન વતી પ્રામાણિકતા સાથે રમ્યો હતો. હવે મામલો મારા દેશની સરકારના હાથમાં છે. ઈમરાન ખાન અને પીસીબી મારા ભવિષ્ય વિશે નિર્ણય લેશે,’ એમ કનેરિયાએ કહ્યું છે.
અગાઉ, પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અખ્તરે એવો આક્ષેપ કર્યો હતો કે પાકિસ્તાન ટીમમાં ઘણા લોકો હતા જેઓ કનેરિયા હિન્દુ હોવાથી એને ટીમમાં પસંદ કરતા નહોતા. અમુક ખેલાડીઓએ એને ટાર્ગેટ બનાવ્યો હતો, પણ દેશમાં ક્યારેય ધર્મના આધારે એની સાથે ભેદભાવ રખાયો નહોતો.
પોતાની સામે ભેદભાવ રાખનાર સાથી ખેલાડીઓના નામ આપવા વિશે પૂછવામાં આવ્યું તો કનેરિયાએ કહ્યું કે પોતે પોતાની યૂટ્યૂબ ચેનલ પર એમના નામ જાહેર કરશે.
દરમિયાન, કનેરિયાએ હાલ યૂટ્યૂબ ચેનલ પર પોતાનો એક લાગણીયુક્ત વિડિયો શેર કર્યો છે અને એમાં તેણે કહ્યું છે કે પોતે ક્યારેય પૈસા માટે પાકિસ્તાન ટીમ વતી રમ્યો નહોતો.
પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન જાવેદ મિયાંદાદે અગાઉ એક નિવેદનમાં એમ કહ્યું હતું કે કનેરિયા લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયત્ન કરતો રહેતો હતો અને પૈસા માટે એ કંઈ પણ કરતો.
કનેરિયાએ કહ્યું કે હું કોઈ ટીવી ચેનલ પાસેથી પૈસા લઈને બોલ્યો નથી. હું પાકિસ્તાન વતી 10 વર્ષ રમ્યો હતો અને દરેક વખતે મેં ટીમ માટે મારું શ્રેષ્ઠ પ્રદાન કર્યું હતું.