ભારત અસુરક્ષિત દેશ છે, એનો બહિષ્કાર કરવો જોઈએઃ જાવેદ મિયાંદાદ (ICCને)

લાહોર – પાકિસ્તાનમાં ટેસ્ટ શ્રેણી રમવા માટે પોતાની ટીમને મોકલવાની બાંગ્લાદેશે ના પાડી દેતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) શરમજનક હાલતમાં મૂકાઈ ગયું છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે અમારા ખેલાડીઓ પાકિસ્તાનમાં ટેસ્ટ મેચો રમવા માટે તૈયાર નથી. આને કારણે પીસીબીના પ્રમુખ એહસાન મનીની હાલત કફોડી થઈ છે.

આ જ મનીએ તાજેતરમાં એવો દાવો કરીને ખળભળાટ મચાવી દીધો હતો કે ક્રિકેટ રમવા માટે પાકિસ્તાન અસુરક્ષિત દેશ છે એવું કહેવાને બદલે સૌએ જોવું જોઈએ કે અન્ય ટીમોને પ્રવાસ માટે ચિંતાજનક તો ભારત દેશ છે, જ્યાં હાલ નાગરિકતા સુધારિત કાયદાના વિરોધમાં ભારે અરાજકતા ફેલાઈ છે. આ વિવાદાસ્પદ કાયદાના વિરોધમાં દેશભરમાં વિદ્યાર્થીઓ અને રાજકીય પક્ષો રસ્તા પર ઉતરી આવ્યા છે. કેટલાક લોકો તો જાહેર સંપત્તિને નુકસાન પણ પહોંચાડી રહ્યા છે.

હવે મનીને આ દાવામાં ટેકો મળ્યો છે ભૂતપૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેનોમાંના એક, જાવેદ મિયાંદાદનો.

‘પાકપેશન ડોટ નેટ’ નામની વેબસાઈટે મિયાંદાદને એવું કહેતા ટાંક્યા છે કે, ‘મારી આઈસીસી સંસ્થા માટે સંદેશ છે કે ક્રિકેટ રમતા તમામ દેશોની ટીમોને ભારતના પ્રવાસે મોકલવાનું બંધ કરી દેવું જોઈએ.’

મિયાંદાદે એમ પણ કહ્યું છે કે, ‘આઈસીસી આગળ આવો અને દુનિયાના દેશોને જણાવો, આઈસીસીના સભ્યોએ દુનિયાના દેશોને જણાવવું જ જોઈએ અને ભારત સાથે કોઈ પણ મેચ રમવાનું બંધ કરી દેવું જોઈએ, કારણ કે ભારત હવે પહેલાંની જેટલો સલામત દેશ રહ્યો નથી. ભારત કરતાં બીજાં દેશો સારા છે, કારણ કે કારણ કે તેઓ એમના પોતાના નાગરિકો માટે લડી રહ્યા છે. જુઓ તો ખરા, ભારતમાં શું ચાલી રહ્યું છે, પગલું લેવું જ જોઈએ.’

અગાઉ, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે જણાવ્યું હતું કે એમને એક સંદેશ મળ્યો છે કે બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રેહમાનની 100મી જન્મજયંતિની ઉજવણી કરવા બાંગ્લાદેશમાં 2020ના માર્ચમાં વર્લ્ડ ઈલેવન સામે એશિયા ઈલેવનની એક ખાસ ક્રિકેટ મેચ રમાડવાનું વિચારાયું છે, પરંતુ એશિયા ટીમમાં પાકિસ્તાનનો એકેય ખેલાડી નહીં હોય.

ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન 2012-13 પછી એકેય દ્વિપક્ષી ક્રિકેટ શ્રેણી રમ્યા નથી. બંને દેશ માત્ર આઈસીસી અને એસીસી (એશિયન ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા આયોજિત સ્પર્ધાઓમાં જ રમ્યા છે. 2012-13માં પાકિસ્તાન ટીમ મર્યાદિત ઓવરોવાળી એક દ્વિપક્ષી શ્રેણી રમવા ભારત આવી હતી.

પાકિસ્તાનની સ્પોર્ટ્સ વેબસાઈટ પાકપેશન ડોટ નેટ પર એક વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં મિયાંદાદ ભારતનો બહિષ્કાર કરવાનો આઈસીસીને અનુરોધ કરવાની અપીલ કરી રહ્યા છે. મિયાંદાદનું કહેવું છે કે, ‘આઈસીસીએ જે કડક વલણ પાકિસ્તાન સામે અપનાવ્યું હતું એવું જ વલણ હવે એણે ભારત સામે પણ અપનાવવું જોઈએ. ભારત એક પણ પ્રવાસી માટે સુરક્ષિત દેશ નથી.’