નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સ IPL 2021ના પ્લેઓફમાં જગ્યા બનાવી ચૂકી છે. જોકે આ સીઝનમાં ધોનીનું પ્રદર્શન બહુ ખરાબ રહ્યું છે.ધોનીએ 13 મેચોમાં માત્ર 14ની સરેરાશથી માત્ર 84 રન બનાવ્યા છે, તેમ છતાં એમએસ ધોનીએ સંકેત આપ્યા હતા કે તે વધુ એક IPL સીઝન માટે ફેન્ચાઇઝી માટે રમવાનું જારી રાખશે, જેથી તેના ફેન્સ તેને આગામી વર્ષે ચેન્નઈમાં ફેરવેલ ગેમમાં રમતો જોઈ શકે.
ચેન્નઈ સુપર કિંગ્સના 2022માં મેગા લિલામી પછી મોટા ફેરબદલ થાય એવી શક્યતા છે. એવી પણ અટકળો વહેતી થઈ હતી કે ધોની પીળી જર્સીમાં રમતો જોવા મળશે કે નહીં. ધોનીએ ઇન્ડિયા સિમેન્ટ્સના 75 વર્ષ પૂરા થવાના પ્રસંગે કહ્યું હતું કે તે ચેન્નઈમાં પોતાની છેલ્લી મેચ રમે એવી તેની ઇચ્છા છે.તેણે કહ્યું હતું કે વાત ફેરવેલની હોય ત્યારે તમે મને ચેન્નઈ સુપર કિંગ્સ વતી મેચ રમતા ચેન્નઈમાં જોઈ શકો છો અને એ મારી છેલ્લી મેચ હશે, એવી આશા તેણે વ્યક્ત કરી હતી.
ભારતના ભૂતપૂર્વ કેપ્ટને કહ્યું હતું હતું કે ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા પછી અને 2019 પછી તે ચેન્નઈમાં નથી રમ્યો. કેમ કે વર્ષ 2020માં IPL 2020 UAEમાં યોજવામાં આવી હતી.
CSK આવતા વર્ષે IPLની લિલામી માટે ત્રણ ક્રિકેટરો- ધોની, ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને ઋતુરાજ ગાયકવાડને જાળવી રાખે એવી શક્યતા છે, એમ સૂત્રોએ કહ્યું હતું.
