ટીમ ઈન્ડિયાનો આ છે વિશિષ્ટ ચાહક, ‘કૌટુંબિક સભ્ય’…!!

ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો તો ઘણાય છે, પણ એમાંનો એક ચાહક કંઈક વિશેષ છે. આ ચાહક દિવ્યાંગ છે છતાં એને ભારતીય ટીમના બિનસત્તાવાર ૧૨મા ખેલાડી તરીકેની ઓળખ મળી છે.

આ ઉત્સાહી છે ધરમવીર સિંહ પાલ. એ મધ્ય પ્રદેશનો વતની છે. બંને પગે પોલિયોગ્રસ્ત છે, પણ ક્રિકેટની રમત અને દેશની ક્રિકેટ ટીમ પ્રત્યે એની અપાર લાગણી અને ઉત્સાહે એને ભારતના ક્રિકેટરોના હૃદયમાં તેમજ ડ્રેસિંગ રૂમમાં આગવું સ્થાન અપાવ્યું છે.

ધરમવીર પાલ ૧૮ મહિનાનો હતો ત્યારે એને પોલિયો થયો હતો અને એનું કમરથી નીચેનું શરીર હલનચલનવિહોણું થઈ ગયું હતું.

તે છતાં એ જેમ મોટો થતો ગયો એમ ક્રિકેટ પ્રત્યેનો એનો પ્રેમ ખૂબ ગાઢ બનતો ગયો.

રાષ્ટ્રીય ક્રિકેટ ટીમની એ એટલો બધો નિકટ થઈ ગયો છે કે ટીમ જ્યાં જાય ત્યાં એની સાથે એ જાય છે. એનો બધો ખર્ચ ટીમ ઉપાડે છે. ખેલાડીઓ એને પરિવારના સભ્ય જેવો ગણે છે.

૨૪ વર્ષીય ધરમવીર પાલ ભારતના વિકલાંગ ક્રિકેટરોની ટીમનો કેપ્ટન પણ છે.

ધરમવીર ચાલવા માટે એના હાથનો ઉપયોગ કરે છે અને હાથ વડે એ ગજબની સ્પીડે ભાગી શકે છે. એ જબરદસ્ત રીતે બોલને થ્રો પણ કરી શકે છે, કેચ પણ કરી શકે છે.

જિંદગીએ પોતાના માર્ગમાં જે કોઈ પડકારો મૂક્યા છે એને ધરમવીરે સહર્ષ સ્વીકારી લીધા છે. એ પોતાને વિકલાંગ માનતો નથી. ‘માટે જ હું આટલો દ્રઢમનોબળવાળો છું. હું કોઈ પણ કામ કરી શકું છું. કોઈ પણ મોટું કામ કરી શકું છું,’ એમ તે કહે છે.

ધરમવીરનાં વિચારો ખરેખર પ્રેરણાત્મક છે. એ કહે છે, ‘હું મારા અંતિમ શ્વાસ સુધી ક્રિકેટની રમત સાથે સંકળાયેલો રહેવા અને ભારતીય ટીમની સહાયતા કરવા માગું છું. પોલિયો રોગ વ્યક્તિને કશું કરવા દેતો નથી એ માન્યતાને હું ખોટી પાડી દેવા માગું છું.’

‘નહીં, મેરે કો કોઈ મુશ્કિલ નહી હોતી હૈ. મૈં બિલકુલ મેહસુસ નહી કરતા કી મૈં વિકલાંગ હૂં. જબ મેહસુસ કરેંગે તો પરેશાની હોગી, કહીં જાને મેં દિક્કત હોગી,’ આ શબ્દો છે ધરમવીરના.

મધ્ય પ્રદેશના મોરેના જિલ્લાના ગામડાના ગરીબ કિસાનનો પુત્ર ધરમવીર પાલ ભારતીય ટીમને પ્રેક્ટિસ સત્ર વખતે ખૂબ મદદરૂપ થતો હોય છે. મેદાન પર બાઉન્ડરી લાઈનની બહાર બોલને કલેક્ટ કરવાની એની ઝડપ જોઈને કોઈ પણ વિસ્મય પામે. છેક ૨૦૦૪ની સાલથી એ ભારતીય ટીમની ભેગો જ રહેતો આવ્યો છે. સચીન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની, યુવરાજ સિંહ, વિરેન્દર સેહવાગ સહિત તમામ દિગ્ગજ તથા અન્ય ખેલાડીઓ એને વ્યક્તિગત રીતે ઓળખે છે, એને માન આપે છે. એને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એનું ખેલાડીઓ બહુ ધ્યાન પણ રાખે છે.

વન-ડે ઈન્ટરનેશનલ્સ અને ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો ઉપરાંત આઈપીએલની મેચો વખતે પણ એ ભારતીય ખેલાડીઓની મદદ માટે મેદાન પર પહોંચી જતો હોય છે.

એના અજબના ઉત્સાહે એને ભારતીય ટીમના બિનસત્તાવાર પ્રતિક તરીકે સ્થાપિત કરી દીધો છે.

ભારતીય ટીમ સાથે નિકટતાની એની શરૂઆત ક્યારથી થઈ?

મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની એ વન-ડે ઈન્ટરનેશનલ મેચ હતી. ભારતે ઓસ્ટ્રેલિયા પર જીત મેળવ્યા બાદ કેપ્ટન ધોનીને અભિનંદન આપવા ધરમવીર હાથની મદદથી ચાલતો ડ્રેસિંગ રૂમ સુધી ગયો હતો. દરેક જણ એને જોતા જ રહી ગયા હતા. બસ, એ ઘડીથી ધોની તથા અન્ય ભારતીય ખેલાડીઓ સાથે એનો એક કાયમી વિશેષ નાતો બંધાઈ ગયો હતો.

ધરમવીરથી ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પણ ખૂબ પ્રભાવિત થયા છે. એડમ ગિલક્રિસ્ટ કિંગ્સ ઈલેવન પંજાબ ટીમની આઈપીએલ મેચ રમવા માટે આવ્યો હતો ત્યારે એણે ધરમવીર સાથે હાથ મિલાવ્યા હતા અને એની સાથે ટીમ હોટેલની લોબીમાં બેસીને અડધો કલાક સુધી વાતો કરી હતી.

ધરમવીરને ટીમની નેટ પ્રેક્ટિસ વખતે હાજર રહેવાનો વિશેષાધિકાર પ્રાપ્ત થયો છે એટલું જ નહીં, પણ ખેલાડીઓ માટે બોલ-બોય બનવા, બાઉન્ડરી લાઈન પર ફિલ્ડિંગ ભરવાની પણ એને પરવાનગી અપાઈ છે.

ભારતીય ટીમ સાથે એ અત્યાર સુધીમાં ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, ઓસ્ટ્રેલિયા, ન્યુ ઝીલેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને યૂએઈના પ્રવાસે પણ જઈ આવ્યો છે.

અત્યાર સુધીમાં એ ભારતીય ટીમની ૧૦૦ જેટલી મેચો સ્ટેડિયમમાં જ રહીને નિહાળી ચૂક્યો છે.