બર્મિંઘહામઃ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારત શાનદાર દેખાવ કરી રહ્યો છે. લોન્ગ જમ્પમાં મુરલી શ્રીશંકરે સિલ્વર મેડલ જીત્યો છે. મુરલીએ 8.08 મીટરની છલાંગ લગાવીને આ સફળતા મેળવી હતી. મુરલીની જીત ઐતિહાસિક છે, કેમ કે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય પુરુષ એથ્લીટે સૌપ્રથમ વાર લોન્ગ જમ્પમાં મેડલ જીત્યો છે. જોકે કોમનવેલ્થ ગેમ્સ 2022ની એથ્લેટિક્સ ઇવેન્ટમાં ભારતનો આ બીજો મેડલ છે. આ પહેલાં તેજસ્વિન શંકરે હાઇ જમ્પમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
બહારમાસના લેકુઅન નેયરને ગોલ્ડ પર કબજો કર્યો હતો. તેણે પણ 8.08 મીટરની જ છલાંગ લગાવી હતી. જોકે લેકુઅલનો બીજો પ્રયાસ શ્રીશંકરની તુલનામાં ઘણો સારો હતો. જેને લીધે ભારતીય એથ્લીટને બીજું સ્થાન મળ્યું હતું.
કોમનવેલ્થ ગેમ્સમાં 2022માં ભારતને અત્યાર સુધી 20 મેડલ મળી ચૂક્યા છે, જેમાં છ ગોલ્ડ, સાત સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલ સામેલ છે. આમાંથી 10 મેડલ વેઇટલિફ્ટિંગમાં આવ્યા છે. જૂડોમાં ત્રણ અને એથ્લેટિક્સમાં બે મેડલ આવ્યા છે. આ ઉપરાંત લોન બોલ્સ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, સ્કવોશ અને પેરા પાવરલિફ્ટિંગમાં ભારતને એક મેડલ મળ્યો છે.
વડા પ્રધાન મોદીએ પણ ટ્વીટ કરીને શ્રીશંકરે કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતતાં તેને અભિનંદન આપ્યાં હતાં.
https://twitter.com/narendramodi/status/1555386315025555456
શ્રીશંકરે પહેલા પ્રયાસમાં 8.05 મીટરની છલાંગ લગાવી હતી, જ્યારે મોહમ્મદ અનીસ યાહિયાએ બીજા પ્રયાસમાં 7.68 મીટરની છલાંગ લગાવીને દેખાવમાં સુધારો કર્યો હતો તથા તે ગ્રુપમાં ત્રીજા સ્થાને રહ્યો હતો.