કોહલીની રૂમનો વીડિયો ઉતાર્યોઃ હોટેલે કર્મચારીને કાઢી મૂક્યો

પર્થઃ ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં રમવા આવેલી ભારતીય ટીમ ગઈ કાલે અહીં સાઉથ આફ્રિકા સામેની મેચમાં રમી હતી. પર્થમાં ભારતીય ટીમને ક્રાઉન પર્થ હોટેલમાં ઉતારો આપવામાં આવ્યો છે. ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની સાથે એની પત્ની અનુષ્કા શર્મા પણ પ્રવાસે આવી છે. વિરાટને જે રૂમમાં રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી તેના બેડરૂમ તથા બાથરૂમનો ગેરકાયદેસર રીતે વીડિયો ઉતારીને અને ફોટા પાડીને તેમને ઈન્ટરનેટ પર વાઈરલ કરવામાં આવ્યા છે. આ વીડિયો જોવા મળ્યા બાદ અનુષ્કા અને વિરાટ, બંને જણ ખૂબ જ ગુસ્સે ભરાયાં હતાં. બંનેએ સોશ્યલ મીડિયા મારફત હોટેલ કર્મચારીની આ હરકતની આકરી ટીકા કરી છે. તેમની ફરિયાદને પગલે ક્રાઉન પર્થ હોટેલે સંબંધિત કર્મચારી (ક્લીનર)ને નોકરીમાંથી કાઢી મૂક્યો છે.

કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તે વિવાદાસ્પદ વીડિયો ક્લિપ શેર કરી છે અને પોતાની ગોપનીયતાના ઉલ્લંઘન સમાન વીડિયો બનાવીને ઈન્ટરનેટ પર વાઈરલ કરવાની તે કર્મચારીની હરકતને કડક શબ્દોમાં વખોડી કાઢી છે.

SHOCKING! Virat Kohli’s PRIVACY invaded, fan posts video of India batter’s HOTEL room

વર્લ્ડ કપમાં રમવા આવેલી તમામ ટીમોના તમામ ખેલાડીઓના વ્યવસ્થાપનની જવાબદારી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સંસ્થાની છે. તેણે અને હોટેલ ક્રાઉન પર્થની મેનેજમેન્ટે આ બનાવ બદલ વિરાટ અને અનુષ્કાની માફી માગી છે.

ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે પણ આ બનાવ અંગે ગુસ્સો વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે, ‘આવું તો જરાય ચલાવી ન લેવાય. ક્રાઉન પર્થ આ બધું શું છે?’