મેસ્સી-મેજિકઃ આર્જેન્ટિના-મેક્સિકો મેચ જોવા રેકોર્ડબ્રેક ક્રાઉડ એકત્ર

દોહાઃ આ શહેરના ઉત્તર ભાગમાં આવેલા લુસૈલ સ્ટેડિયમમાં આજે ફિફા વર્લ્ડ કપ-2022માં ગ્રુપ-Cમાં આર્જેન્ટિના અને મેક્સિકો વચ્ચે મેચ રમાઈ ગઈ. લિયોનેલ મેસ્સીની આગેવાની હેઠળની આર્જેન્ટિના ટીમે મેક્સિકોને 2-0થી પરાજય આપીને નોકઆઉટ તબક્કામાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખી છે. ઉલ્લેખનીય છે કે, આર્જેન્ટિના તેની પહેલી મેચ સાઉદી અરેબિયા સામે હારી ગયું હતું. પરિણામે આજની મેચમાં મેસ્સી એની રમતનો કોઈ જાદુ ચલાવે અને મનોરંજક મેચ જોવા મળશે એવી આશા સાથે સ્ટેડિયમ દર્શકોથી ખીચોખીચ ભરાઈ ગયું હતું. સ્ટેડિયમમાં 88,966 દર્શકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ આંકડો છેલ્લા 28 વર્ષમાં કોઈ ફૂટબોલ વર્લ્ડ કપ મેચ દરમિયાન હાજર ક્રાઉડની દ્રષ્ટિએ સૌથી ઊંચો છે. આ જ સ્ટેડિયમમાં 18મી ડિસેમ્બરે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાવાની છે. આજની મેચમાં, મેસ્સીએ એના ચાહકોને નિરાશ કર્યા નહોતા અને 64મી મિનિટે ગોલ કર્યો હતો. ટીમનો બીજો ગોલ એન્ઝો ફર્નાન્ડિઝે 87મી મિનિટે કર્યો હતો.

1994ની વર્લ્ડ કપમાં, કેલિફોર્નિયાના પાસાડેનાના રોઝ બાઉલ સ્ટેડિયમમાં બ્રાઝિલ-ઈટાલીની મેચ જોવા માટે 91,194 લોકો ગયા હતા. તે મેચ 0-0 ડ્રો થયા બાદ પેનલ્ટી શૂટઆઉટમાં ગઈ હતી જેમાં બ્રાઝિલ અંતે જીત્યું હતું. સૌથી વધુ સંખ્યામાં ક્રાઉડની હાજરીનો રેકોર્ડ બ્રાઝિલના રીયો ડી જેનેરો શહેરના મારાકન સ્ટેડિયમના નામે છે. 1950ની વર્લ્ડ કપમાં બ્રાઝિલ અને ઉરુગ્વે વચ્ચેની ફાઈનલ મેચ જોવા માટે 1,73,850 લોકો ગયા હતા. તે મેચમાં ઉરુગ્વેએ યજમાન ટીમને 2-1થી પરાજય આપ્યો હતો.