મારામારીના કેસમાં કોર્ટે બેન સ્ટોક્સને નિર્દોષ જાહેર કર્યો

લંડન – ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ મારામારીના એક કેસમાં અહીંની કોર્ટને ગુનેગાર જણાયો નથી અને કોર્ટે એને નિર્દોષ જાહેર કર્યો છે.

બેન સ્ટોક્સ એની પત્ની સાથે

મારામારીની તે ઘટના 2017ની 25 સપ્ટેંબરે બ્રિસ્ટોલમાં એક નાઈટક્લબની બહાર બની હતી.

ફરિયાદોએ એવો આરોપ મૂક્યો હતો કે સ્ટોક્સ દારૂના નશામાં હતો. એણે 3-4 બીયર, 6 વોડકા અને લેમોનેડ્સ ગટગટાવ્યા હતા. પરંતુ સ્ટોક્સે એ આરોપને નકારી કાઢ્યો હતો.

તે બનાવને કારણે સ્ટોક્સ ગઈ આખી એશિઝ સીરિઝ ચૂકી ગયો હતો. એ ભારત સામે વર્તમાન ટેસ્ટ શ્રેણીની પહેલી ટેસ્ટમાં રમ્યો હતો અને બોલિંગમાં ચમક્યો હતો. બંને દાવ મળીને એણે ભારતની 6 વિકેટ પાડી હતી.

જ્યૂરીએ સર્વાનુમતે નિર્ણય લીધો છે કે સ્ટોક્સ મારામારીના આરોપમાં નિર્દોષ છે.

મારામારીની ઘટનાને કારણે સ્ટોક્સ પાંચ ટેસ્ટ મેચ, સાત વન-ડે ઈન્ટરનેશનલ મેચો અને ચાર ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચો ચૂકી ગયો છે.

સ્ટોક્સ નિર્દોષ છૂટી જતાં ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ 18 ઓગસ્ટથી ટ્રેન્ટ બ્રિજ ખાતે ભારત સામે શરૂ થનાર ત્રીજી ટેસ્ટ મેચ માટેની ઈલેવનમાં એનો સમાવેશ કરી શકશે. જોકે ઈંગ્લેન્ડે ત્રીજી મેચ માટે જાહેરાત કરી દીધી છે બીજી ટેસ્ટ મેચ એક દાવ અને 159 રનથી જીતનાર ટીમ જ ત્રીજી ટેસ્ટમાં રમશે.

ઉલ્લેખનીય છે કે, સ્ટોક્સનું સ્થાન બીજી ટેસ્ટમાં ઓલરાઉન્ડર ક્રિસ વોક્સે લીધું હતું અને એણે ઓલરાઉન્ડ દેખાવ કરીને મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ જીત્યો હતો.

પાંચ મેચોની સીરિઝમાં ઈંગ્લેન્ડ 2-0થી આગળ છે.