બુમરાહ ફિટ થઈ ગયો છે, પણ કેપ્ટન કોહલી હજી એકદમ સાજો થયો નથી

નોટિંઘમ – ઈંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ શરૂ થઈ ત્યારથી ભારતીય ટીમને ફિટનેસને લગતી સમસ્યાઓ નડતી રહી છે. બે ફાસ્ટ બોલર – જસપ્રીત બુમરાહ અને ભૂવનેશ્વર કુમારની ઈજાને કારણે ભારતને પહેલી બે ટેસ્ટમાં બહુ ભોગવવું પડ્યું છે. ભારત આ બંને ટેસ્ટ મેચ હારીને સીરિઝમાં 0-2થી પાછળ છે.

ખુદ કેપ્ટન વિરાટ કોહલી બીમાર છે. એ પીઠના દુખાવાથી પીડાય છે. જોકે એણે કહ્યું છે કે પોતે ત્રીજી ટેસ્ટ મેચના આરંભ પહેલા ફિટ થઈ જવાની આશા રાખે છે.

બુમરાહ આખરે ફિટ થઈ ગયો છે. ત્રીજી ટેસ્ટમાં રમવા માટે એને પાસ કરી દેવાયો છે. એને ગયા જૂન મહિનામાં ડબલીનમાં આયરલેન્ડ સામેની પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ વખતે ડાબા હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી. એ ઈજા વકરતાં ગઈ ચોથી જુલાઈએ એને લીડ્સ શહેરમાં સર્જરી કરાવવી પડી હતી.

કોહલીએ જ્યાં ઈંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટ મેચ રમાવાની છે તે ટ્રેન્ટ બ્રિજ મેદાન ખાતે જિમ સત્રમાં ભાગ લીધો હતો, પરંતુ એ હજી સંપૂર્ણપણે ફિટ નથી.

ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમાર ફિટ થઈ ગયો છે અને એ ત્રીજી ટેસ્ટ મેચમાં રમવા માટે તૈયાર છે. જોકે ત્રીજી મેચમાં એનો નંબર લાગે એમ નથી.

ઓફ્ફ સ્પિનર આર. અશ્વિન અને હાર્દિક પંડ્યાને બીજી ટેસ્ટ મેચમાં રમતી વખતે મામુલી ઈજા થઈ હતી. જોકે બંને જણ ત્રીજી ટેસ્ટમાં રમવા માટે એકદમ ફિટ જાહેર કરી દેવાયા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]