લોર્ડ્સમાં ધબડકોઃ BCCIના સાહેબો શાસ્ત્રી, કોહલીનો ઉધડો લઈ નાખે એવી શક્યતા

0
869

લંડન/મુંબઈ – લોર્ડ્સ મેદાન પર ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના થયેલા શરમજનક પરાજયને કારણે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ ટીમથી બહુ નારાજ થયું છે.

બોર્ડના સત્તાધિશો ઈંગ્લેન્ડમાં ટીમના આ કંગાળ દેખાવ બદલ કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને ઠપકો આપે એવી ધારણા છે.

બોર્ડના અધિકારીઓનું એવું માનવું છે કે ભારતીય ટીમે જાણે પહેલેથી જ હાર સ્વીકારી લીધી હતી અને એમણે ઈંગ્લેન્ડના બોલરોનો જરાય સામનો પણ ન કર્યો.

ઉલ્લેખનીય છે કે, ટોચના બેટ્સમેનોની સરિયામ નિષ્ફળતાને કારણે ભારતીય ટીમ લોર્ડ્સમાં બીજી ટેસ્ટ મેચમાં બેઉ દાવ મળીને માત્ર 82 ઓવર જ રમી શકી હતી અને આખરે મેચ એક દાવ અને 159 રનથી હારી ગઈ. પાંચ મેચોની સીરિઝમાં ભારત હવે ઈંગ્લેન્ડ કરતાં 0-2થી પાછળ છે.

ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલિંગ આક્રમણ સામે ભારતીય બેટિંગ જમીનદોસ્ત થઈ ગઈ. પહેલા દાવમાં 107 રન અને બીજા દાવમાં 130 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. મુરલી વિજય, કે.એલ. રાહુલ, અજિંક્ય રહાણે, ચેતેશ્વર પૂજારા અને કેપ્ટન કોહલી, બંને દાવમાં મોટો દાવ ખેલવામાં નિષ્ફળ ગયા.

ઈંગ્લેન્ડની ધરતી પર ભારતનો આ સતત પાંચમો ટેસ્ટ પરાજય થયો છે.