મુંબઈ – ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રથમ ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર રાહુલ જોહરીએ એમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે, પણ ક્રિકેટ બોર્ડ એને સ્વીકારે એમાં થોડોક સમય લાગી જશે અને ત્યાં સુધી એમણે હોદ્દા પર ચાલુ રહેવું પડશે.
જોહરીને 2016માં એ વખતના બીસીસીઆઈ પ્રમુખ મનોહર શશાંક અને સેક્રેટરી અનુરાગ ઠાકુરે સીઈઓ તરીકે નિયુક્ત કર્યા હતા. સુપ્રીમ કોર્ટે નિમેલી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (CoA)એ એ વખતે આદેશ કર્યા બાદ સીઈઓનો હોદ્દો પહેલી જ વાર રચવામાં આવ્યો હતો. ગયા વર્ષના ઓક્ટોબરમાં CoAએ બોર્ડના કામકાજમાંથી વિદાય લીધી હતી અને એ સાથે જ સૌરવ ગાંગુલીની આગેવાની હેઠળની ટીમ માટે બીસીસીઆઈનો કારભાર પોતાને હસ્તક લેવાનો માર્ગ મોકળો થયો હતો. CoAની વિદાય બાદ પોતાના સીઈઓ હોદ્દા પરથી રાજીનામું આપવાનું રાહુલ જોહરીએ નક્કી કર્યું હતું.
બીસીસીઆઈના એક સૂત્રનું કહેવું છે કે જોહરીનું રાજીનામું સ્વીકારાતાં થોડોક સમય લાગશે. એ માટે એમની સાથે વાટાઘાટ ચાલી રહી છે, કારણ કે એ ઘણી બધી જવાબદારીઓ સંભાળી રહ્યા છે. એમાંની એક જવાબદારી છે સ્ટાર ઈન્ડિયાને રૂ. 16,348 કરોડની રકમમાં આપવામાં આવેલા આઈપીએલ બ્રોડકાસ્ટિંગ રાઈટ્સને પ્રમોટ કરવાની.