પાકિસ્તાનને હરાવી બાંગ્લાદેશ એશિયા કપ ફાઈનલમાં; 28મીએ ભારત સાથે મુકાબલો

અબુ ધાબી – બાંગ્લાદેશની ટીમે ગઈ કાલે એશિયા કપ-2018 સ્પર્ધામાં સુપર-4 રાઉન્ડની આખરી મેચમાં પાકિસ્તાનને 37 રનથી આંચકાજનક પરાજય આપીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.

આવતીકાલે, શુક્રવારે રમાનારી ફાઈનલમાં બાંગ્લાદેશનો મુકાબલો ભારત સાથે થશે.

પાકિસ્તાનને સુપર-4 મેચમાં 37 રનથી હરાવી બાંગ્લાદેશ પહોંચ્યું એશિયા કપ-2018ની ફાઈનલમાં. 28મીએ ભારત સામે રમશે.

બાંગ્લાદેશની ટીમ 48.5 ઓવરમાં 239 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારબાદ એના બોલરોએ અસરકારક બોલિંગ વડે પાકિસ્તાનનો દાવ 50 ઓવરમાં 9 વિકેટે 202 રન સુધી સીમિત રાખી એમની ટીમને જીત અપાવી હતી.

બાંગ્લાદેશના બોલરોએ પાકિસ્તાનના દાવની પહેલી બે જ ઓવરમાં બે વિકેટ પાડીને જીત હાંસલ કરવાના એમના ઈરાદાને સ્પષ્ટ કરી દીધો હતો.

એકમાત્ર ઈમામ ઉલ હક (83)ને બાદ કરતાં પાકિસ્તાનનો બીજો કોઈ બેટ્સમેન નોંધપાત્ર કહેવાય એવી લડત આપી શક્યો નહોતો. શોએબ મલિકે 30, આસીફ અલીએ 31 અને પૂંછડિયા શાહીન અફરિદીએ 14 રન કર્યા હતા.

બાંગ્લાદેશનો ફાસ્ટ બોલર મુસ્તફીઝુર રેહમાન સૌથી સફળ બોલર રહ્યો હતો. એણે 10 ઓવરમાં 43 રનમાં 4 વિકેટ લીધી હતી.

અગાઉ, બાંગ્લાદેશના દાવમાં, મુશ્ફીકુર રહીમે 99 રન કર્યા હતા. એને મોહમ્મદ મિથુન (60)નો ટેકો મળ્યો હતો. બંનેએ ચોથી વિકેટ માટે 144 રનની ભાગીદારી કરી હતી. બાંગ્લાદેશે પહેલી 3 વિકેટ માત્ર 12 રનમાં જ ગુમાવી દીધી હતી. દાવના અંતભાગમાં મેહમુદુલ્લાએ 25 રન કર્યા હતા. રહીમને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાનના જુનૈદ ખાને સૌથી વધુ – ચાર વિકેટ લીધી હતી, જ્યારે શાહીન અફરિદી અને હસન અલીએ 2-2 બેટ્સમેનને આઉટ કર્યા હતા.

બાંગ્લાદેશનો મુસ્ફીકુર રહીમ (99). ‘પ્લેયર ઓફ ધ મેચ’