બેડમિન્ટન સિતારાઓ – સાઈના નેહવાલ, પરુપલ્લી કશ્યપ લગ્ન કરશે

હૈદરાબાદ – ભારતના બે સ્ટાર બેડમિન્ટન ખેલાડી – સાઈના નેહવાલ અને પરુપલ્લી કશ્યપ લગ્ન કરવાના છે. લગ્ન સમારંભ આ વર્ષની 16 ડિસેંબરે ઉજવાશે અને 21મીએ રીસેપ્શન યોજાશે.

સાઈના અને કશ્યપ 2005ની સાલથી પુલેલા ગોપીચંદ પાસે બેડમિન્ટનની તાલીમ લઈ રહ્યાં છે. બંને જણ છેલ્લા 10 વર્ષથી એકબીજાં સાથે ડેટિંગ પણ કરી રહ્યાં છે.

લગ્ન સમારંભ ખાનગી સ્તરનો હશે અને એમાં 100થી વધુ લોકો સામેલ નહીં હોય.

નેહવાલ અને કશ્યપ, બંનેનાં પરિવારમાં લગ્નની તૈયારી શરૂ થઈ ચૂકી છે.

લગ્ન કર્યાં બાદ સાઈના-કશ્યપ પણ ઓલ-સ્પોર્ટ જોડીઓમાં સામેલ થશે, જેમાં દિપીકા પલ્લીકલ (સ્ક્વોશ)-દિનેશ કાર્તિક (ક્રિકેટ), ગીતા ફોગાટ-પવન કુમાર (બંને કુસ્તી), ઈશાંત શર્મા (ક્રિકેટ)-પ્રતિમા સિંહ (બાસ્કેટબોલ), સાક્ષી મલિક-સત્યવર્ત કાંડિયન (બંને કુસ્તી) છે.

28 વર્ષીય સાઈના અત્યાર સુધીમાં મહિલા બેડમિન્ટનમાં 20 મોટા ટાઈટલ્સ જીતી ચૂકી છે. એણે ઓલિમ્પિક્સમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક જીત્યો છે.

32 વર્ષીય કશ્યપ એક સમયે વિશ્વમાં 6ઠ્ઠી રેન્ક ધરાવતો હતો.

સાઈનાનાં જીવન પર આધારિત બાયોપિક હિન્દી ફિલ્મ બની રહી છે, જેમાં એની ભૂમિકા શ્રદ્ધા કપૂર ભજવવાની છે.

સાઈના, કશ્યપ ઉપરાંત પી.વી. સિંધુ સહિત અનેક બેડમિન્ટન ખેલાડીઓનાં કોચ પુલેલા ગોપીચંદ પોતે સાથી બેડમિન્ટન ખેલાડીને પરણ્યા છે. એમણે મહિલા બેડમિન્ટન ખેલાડી પી.વી.વી. લક્ષ્મી સાથે (2002માં) લગ્ન કર્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]