ભારતને હરાવી બાંગ્લાદેશ બન્યું નવું અન્ડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા

પોટચેફ્સ્ટ્રૂમ (દક્ષિણ આફ્રિકા) – ઊર્જાથી ભરપૂર એવા બાંગ્લાદેશના યુવા ક્રિકેટરોએ આજે અહીં રમાઈ ગયેલી ફાઈનલ મેચમાં ગઈ વેળાના ચેમ્પિયન ભારતને આંચકાજનક પરાજય આપીને આઈસીસી અન્ડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધા પહેલી જ વાર જીતી લીધી.

 

આમ, કેપ્ટન અને વિકેટકીપર અકબર અલીના નેતૃત્ત્વ હેઠળની ટીમે ક્રિકેટની રમતમાં એક ઈતિહાસ સર્જ્યો છે.

ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઈનલમાં આવેલી બાંગ્લાદેશની ટીમે આજની ફાઈનલમાં વરસાદના વિઘ્ન વચ્ચે ભારતને ડકવર્થ-લૂઈસ મેથડ અનુસાર 3-વિકેટથી હરાવીને મેચ જીતી લીધી હતી.

અકબર અલીએ ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ કરવા કહ્યું હતું. ભારતનો નિરાશાજનક દેખાવ રહ્યો હતો અને ટીમ 47.2 ઓવરમાં માત્ર 177 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. એના જવાબમાં, બાંગ્લાદેશની ટીમે વરસાદને કારણે મેચને બીજા દાવમાં 46 ઓવરની કરી દેવાયા બાદ અને જીત માટે 170 રનનો નવો ટાર્ગેટ અપાયા બાદ 7 વિકેટે 170 રન કરીને મેચ જીતી લીધી હતી.

બાંગ્લાદેશની જીતમાં અકબર અલીનો સિંહફાળો રહ્યો હતો. એ 43 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. 77 બોલના દાવમાં એણે 4 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યા હતા. એને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. ઓપનર પરવેઝ હુસેન ઈમને 47 રન કર્યા હતા. ભારતે અતિરિક્ત રનના રૂપમાં 33 રનન આપ્યા હતા. જેમાં 8 બાઈઝ, ચાર લેગબાઈ, 19 વાઈડ, 2 નોબોલનો સમાવેશ થાય છે.

લેગસ્પિનર રવિ બિસ્નોઈએ જોરદાર તરખાટ મચાવીને 65 રનના સ્કોર સુધીમાં બાંગ્લાદેશની પહેલી ચારે વિકેટ પાડી હતી. સુશાંત મિશ્રાએ બીજી બે વિકેટ પાડતાં ભારતની જીતની શક્યતા ઉજ્જવળ બની હતી, પણ અકબર અલી એક છેડો સંભાળીને રમતો રહ્યો હતો અને પૂંછડિયા 3 બેટ્સમેનોએ એને સાથ આપ્યો હતો.

પાકિસ્તાનને 10-વિકેટથી હરાવીને ફાઈનલમાં પહોંચેલા ભારતના દાવમાં ઓપનર યશસ્વી જયસ્વાલ 88 રન કરીને ટોપ સ્કોરર રહ્યો હતો. તિલક વર્મા (38) અને વિકેટકીપર ધ્રુવ જુરેલ (22) એમ અન્ય બે જ બેટ્સમેન ડબલ ફિગરમાં પહોંચી શક્યા હતા. બાંગ્લાદેશનો મધ્યમ ઝડપી બોલર અવિષેક દાસ 3 વિકેટ સાથે એની ટીમનો બેસ્ટ બોલર રહ્યો હતો. અન્ય બે ફાસ્ટ બોલર – શોરીફુલ ઈસ્લામ અને તન્ઝીમ હસન સાકીબે બે-બે વિકેટ લીધી હતી.

જયસ્વાલને પ્લેયર ઓફ ધ સિરીઝ ઘોષિત કરવામાં આવ્યો હતો. 6 મેચમાં એણે કુલ 400 રન બનાવ્યા હતા અને 105* એનો બેસ્ટ સ્કોર હતો. એવી જ રીતે, રવિ બિસ્નોઈ સિરીઝનો બેસ્ટ બોલર બની રહ્યો. એણે 6 મેચમાં 17 વિકેટ લીધી હતી. એનો બેસ્ટ દેખાવ પાંચ રનમાં 4 વિકેટનો હતો.

અન્ડર-19 ક્રિકેટ વર્લ્ડ કપના વિજેતાઓ:

1988 ઓસ્ટ્રેલિયા

1998 ઈંગ્લેન્ડ

2000 ભારત

2002 ઓસ્ટ્રેલિયા

2004 પાકિસ્તાન

2006 પાકિસ્તાન

2008 ભારત

2010 ઓસ્ટ્રેલિયા

2012 ભારત

2014 સાઉથ આફ્રિકા

2016 વેસ્ટ ઈન્ડિઝ

2018 ભારત

2020 બાંગ્લાદેશ

ભારત – 4 વખત વિજેતા

ઓસ્ટ્રેલિયા 3 વખત


પાકિસ્તાન 2 વખત


ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ 1-1 વખત