બાબર આઝમ, ટોચના ક્રિકેટરોને સલામત-સ્થળે ખસેડવા પડ્યા

ક્વેટાઃ પાકિસ્તાની ક્રિકેટ કેપ્ટન બાબર આઝમ તથા ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ અફ્રિદી સહિત પાકિસ્તાનના ટોચના ક્રિકેટરો આજે ક્વેટા શહેરમાં જે સ્ટેડિયમમાં એક મેચ રમતા હતા તે જ રોડ પર અમુક માઈલ દૂર એક આતંકવાદી વિસ્ફોટ થયો હતો.

આઝમ તથા અન્ય ક્રિકેટરો નવાબ અકબર બુગ્તી સ્ટેડિયમ ખાતે પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ની પ્રદર્શનીય મેચ રમતા હતા. એ વખતે રોડના બીજા છેડા પર આવેલા પોલીસ લાઈન્સ વિસ્તારમાં મોટો બોમ્બ વિસ્ફોટ થયો હતો. એમાં પાંચેક જણ જખ્મી થયા હતા. તે વિસ્ફોટની જવાબદારી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન તેહરીક-એ-તાલીબાન પાકિસ્તાને લીધી છે. તેણે એક નિવેદનમાં કહ્યું કે આ વિસ્ફોટમાં પોલીસ અધિકારીઓને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા.

સ્ટેડિયમમાં ક્વેટા ગ્લેડિયેટર્સ અને પેશાવર ઝાલ્મી વચ્ચે એક્ઝિબિશન મેચ રમાતી હતી. તેનું આયોજન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કર્યું હતું. બલુચ ક્રિકેટપ્રેમીઓની એવી માગણી હતી કે ક્વેટામાં પણ પીએસએલની મેચો રમાડવામાં આવે છે. એમની માગણી સામે ઝૂકી જઈને બુગ્તી સ્ટેડિયમમાં મેચ યોજવાનું નક્કી કરાયું હતું. મેચ ચાલુ હતી એ જ વખતે વિસ્ફોટ થયો હતો. તરત જ મેચ રોકી દેવામાં આવી હતી અને ખેલાડીઓને ડ્રેસિંગ રૂમમાં મોકલી દેવામાં આવ્યા હતા. બાદમાં સબ-સલામતની ખાતરી મળ્યા બાદ મેચ ફરી શરૂ કરાઈ હતી. ગ્લેડિયટર્સ ટીમે બે-રનથી મેચ જીતી હતી. ઈફ્તિખાર એહમદે 50 બોલમાં અણનમ 94 રન ફટકાર્યા હતા. ફાસ્ટ બોલર વહાબ રિયાઝની એક જ ઓવરમાં એણે છ સિક્સ મારી હતી. મેચ જોવા માટે સ્ટેડિયમ ચાહકોથી ખીચોખીચ ભરાઈ ગયું હતું.

બલુચિસ્તાન પ્રાંતના પાટનગર ક્વેટામાં છેલ્લા અનેક વર્ષોથી બળવાખોરીની પરિસ્થિતિ અને અવારનવાર આતંકવાદી હુમલો થતા હોવાથી ખેલકૂદની પ્રવૃત્તિઓ સદંતર બંધ છે.