મેલબોર્નઃ અહીં રમાતી વર્ષની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટેનિસ સ્પર્ધા, ઓસ્ટ્રેલિયન ઓપનમાં મહિલાઓની ડબલ્સ હરીફાઈના વર્ગમાં આજે બીજા રાઉન્ડની મેચમાં ભારતની સાનિયા મિર્ઝા-મલિક અને એની કઝાખસ્થાનની જોડીદાર આન્ના ડાનીલીવાનો પરાજય થયો હતો. યૂક્રેનની એન્હેલીના કેલીનીના અને બેલ્જિયમની એલિસન વેન યૂત્વેન્કની જોડી સામે સાનિયા-આન્નાનો 4-6, 6-4, 2-6થી પરાજય થયો છે. 36 વર્ષીય સાનિયાની કારકિર્દીની આ આખરી ડબલ્સ મેચ હતી. હવે તે મિક્સ્ડ ડબલ્સમાં છેલ્લી વાર રમતી જોવા મળશે. આ વર્ગમાં વિજેતાપદ મળે કે તે પૂર્વે પરાજય મળે તે સાથે જ પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિ લેવાની છે.
મિક્સ્ડ ડબલ્સમાં તેણે 42 વર્ષના રોહન બોપન્ના સાથે જોડી બનાવી છે. ગઈ કાલે બંનેએ પહેલા રાઉન્ડની મેચ જીતીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. બંનેએ ઓસ્ટ્રેલિયાના જેમી ફોરલીસ અને લ્યૂક સેવિલની જોડીને 7-5, 6-3થી પરાજય આપ્યો હતો. રોહન અને સાનિયાએ 2017માં ફ્રેન્ચ ઓપનમાં મિક્સ્ડ ડબલ્સનું વિજેતાપદ હાંસલ કર્યું હતું. તે પૂર્વે 2009માં સાનિયાએ મહેશ ભૂપતિ સાથે મળીને ઓસ્ટ્રેલિયન ઓપનમાં મિક્સ્ડ ડબલ્સ ટ્રોફી જીતી હતી. આ વખતની સ્પર્ધાના રાઉન્ડ ઓફ 16માં સાનિયા-રોહનનો મુકાબલો આવતી કાલે ઉરુગ્વેના એરિયલ બેહર અને જાપાનની માકોતો નિનોમિયાની જોડી સામે થશે.