આઈપીએલ-2021માં રમતા ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોને આંચકો

કેનબેરાઃ ભારતમાં કોરોનાવાઈરસની બીજી લહેર ઘાતક નીવડી છે અને અસંખ્ય લોકો એના શિકાર બન્યા છે ત્યારે ઓસ્ટ્રેલિયાની સરકારે ભારતમાંથી આવતી તમામ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસને વળી એમાં જાહેરાત કરી છે કે ભારતમાં રમાતી ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનમાં રમતા ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોએ સ્વદેશ પાછા ફરવા માટે એમના ખર્ચે વ્યવસ્થા કરવાની રહેશે. ઓસ્ટ્રેલિયાની સરકાર નહીં કરે. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરો આઈપીએલમાં રમવા માટે અંગત રીતે પ્રવાસ ખેડીને ગયા છે. તેઓ ઓસ્ટ્રેલિયાના સત્તાવાર પ્રવાસનો કોઈ હિસ્સો નથી.

ઓસ્ટ્રેલિયાની સરકારે ભારતમાંથી આવતી તમામ સીધી પેસેન્જર ફ્લાઈટ્સને આજથી જ અમલમાં આવે એ રીતે અને 15 મે સુધી સસ્પેન્ડ કરી દીધી છે અને કોરોનાગ્રસ્ત દેશો સાથેની સરહદો હાલ સીલ કરી દીધી છે. સરકારના આ નિર્ણયને પગલે આઈપીએલમાં રમવા ભારત આવેલા ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરો ભારતમાં જ અટવાઈ જાય એવી શક્યતા છે.