ભારતીય બેટસમેનોનો ફ્લોપ શો પછી ઓસ્ટ્રેલિયા 67/ 7 વિકેટ

પર્થઃ ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની પહેલી ટેસ્ટ મેચના પહેલા દિવસે 17 વિકેટ પડી હતી. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ટીમ 150 રન પર ઓલઆઉટ થઈ ગઈ. એ પછી ઓસ્ટ્રેલિયા ટીમે પણ દિવસ પૂરો થતાં સુધીમાં 67 રન પર સાત વિકેટ ગુમાવી હતી. આ દરમિયાન ભારતીય કેપ્ટન જસપ્રીત બુમરાહે ચાર વિકેટ પોતાને નામે કરી હતી.

ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટના પહેલા દિવસે ભારત મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. ટીમ 83 રનથી આગળ છે અને ઓસ્ટ્રેલિયાની માત્ર 3 વિકેટ બાકી છે. ઓપ્ટસ સ્ટેડિયમમાં ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. કોઈ બેટર ફિફ્ટી ફટકારી શક્યો નહોતો અને ટીમ 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે ચાર વિકેટ ઝડપી હતી.ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે 73 રન બનાવ્યા બાદ 6 વિકેટ ગુમાવી દીધી હતી. યશસ્વી જયસ્વાલ અને દેવદત્ત પડિકલ ખાતું ખોલાવી શક્યા ન હતા. વિરાટ કોહલી 5 રન, ધ્રુવ જુરેલ 11 રન અને વોશિંગ્ટન સુંદર 4 રન બનાવીને આઉટ થયા હતા.

જોકે ભારતે બોલિંગથી ધમાકેદાર કમબેક કર્યું અને ઓસ્ટ્રેલિયાએ 59 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી. દિવસની રમતના અંત સુધીમાં ટીમનો સ્કોર 67 રન હતો, એલેક્સ કેરીએ 19 અને મિચેલ સ્ટાર્ક 6 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યા હતા. ભારત તરફથી કેપ્ટન જસપ્રીત બુમરાહે ચાર અને મોહમ્મદ સિરાજે બે વિકેટ ઝડપી હતી. જ્યારે હર્ષિત રાણાને એક વિકેટ મળી હતી.

ઓસ્ટ્રેલિયા માટે પ્રથમ દિવસે પહેલી ઇનિંગમાં ટ્રેવિસ હેડે 11, નાથન મેકસ્વીનીએ 10, ઉસ્માન ખ્વાજાએ 8, મિચેલ માર્શે 6, પેટ કમિન્સે 3 અને માર્નસ લાબુશેને 2 રન બનાવ્યા હતા. સ્ટીવ સ્મિથ ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.