નડાલ ઓસ્ટ્રેલિયન ઓપનના બીજા રાઉન્ડમાં હારી ગયો

મેલબર્નઃ ગયા વર્ષે ચેમ્પિયન બનેલો અને 22 વખત ગ્રાન્ડ સ્લેમ વિજેતા બનેલો રાફેલ નડાલ અહીં રમાતી ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડ સ્લેમ ટેનિસ સ્પર્ધાના બીજા રાઉન્ડમાં આજે હારી જતાં પોતાનું વિજેતાપદ જાળવવામાં નિષ્ફળ ગયો છે. મેચમાં નડાલ ઈજાથી કણસતો રહ્યો હતો. અમેરિકાના 65મા ક્રમાંકિત ખેલાડી મેકેન્ઝી મેક્ડોનાલ્ડ સામે તે હારી ગયો છે.

36 વર્ષીય નડાલ પહેલો સેટ 4-6થી હારી ગયા બાદ બીજા સેટમાં 3-5થી પાછળ હતો. ત્યારે એણે ઈજાને કારણે મેડિકલ ટાઈમ-આઉટ લીધો હતો. દેખીતી રીતે એને ડાબા પગમાં ઉપરના ભાગમાં દુખાવો થતો હતો. સારવાર લીધા બાદ એ કોર્ટ પર પાછો ફર્યો હતો, પરંતુ બાકીની આખી મેચ દરમિયાન એ શારીરિક રીતે 100 ટકા ફિટ દેખાયો નહોતો અને આખરે મેક્ડોનાલ્ડ તે મેચ 6-4, 6-4, 7-5થી જીતી ગયો હતો. આ મેચ બે કલાક અને 32 મિનિટ સુધી ચાલી હતી.