ગિલની કમાલની-બેટિંગઃ NZ સામેની ODIમાં ફટકારી ડબલ-સેન્ચુરી

હૈદરાબાદઃ વિકેટકીપર ટોમ લેથમના નેતૃત્ત્વ હેઠળ ન્યૂઝીલેન્ડની ભારતમાં 3 વન-ડે ઈન્ટરનેશનલ અને ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટનેશનલ મેચોની શ્રેણીઓ રમવા આવી છે. આજે અહીંના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાતી પહેલી વન-ડે મેચમાં ભારતના ઓપનર શુભમન ગિલે જબરદસ્ત બેટિંગ પ્રદર્શન જાળવી રાખીને ડબલ સેન્ચુરી ઠોકી દીધી છે. એણે 144 બોલમાં 200 રન પૂરા કર્યા હતા અને આખરે 208 રન કરીને આઉટ થયો હતો. એણે 149 બોલનો સામનો કર્યો હતો અને 19 ચોગ્ગા તથા 9 છગ્ગા ફટકાર્યા હતા. એના આ તોફાની પરફોર્મન્સના આધારે ભારતે પોતાના હિસ્સાની 50 ઓવરમાં 8 વિકેટના ભોગે 349 રનનો સ્કોર ખડો કર્યો હતો. ગિલને બાદ કરતાં બીજા કોઈ બેટરે હાફ સેન્ચુરી પણ ફટકારી નથી. કેપ્ટન રોહિત શર્માએ 34, ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ 8, વિકેટકીપર ઈશાન કીશને પાંચ, સૂર્યકુમાર યાદવે 31, હાર્દિક પંડ્યાએ 28 રન કર્યા હતા.

પંજાબના ફાઝિલ્કા શહેરમાં જન્મેલા ગિલની આ હજી તો માંડ 19મી વન-ડે છે. એણે વ્યક્તિગત 182 રનના સ્કોર પર ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસનની ઓવરમાં સતત ત્રણ છગ્ગા ફટકારીને અનોખી સ્ટાઈલમાં પોતાની ડબલ સેન્ચુરી પૂરી કરી હતી.

વન-ડે ક્રિકેટમાં સૌથી નાની વયે ડબલ સેન્ચુરી

વન-ડે ક્રિકેટમાં ડબલ સેન્ચુરી ફટકારનાર ગિલ દુનિયામાં સૌથી નાની ઉંમરનો બેટર બન્યો છે. તેની વય છે 23 વર્ષ અને 132 દિવસ. જ્યારે આ પહેલાંનો વિક્રમવીર હતો ઈશાન કિશન, જેણે ગયા વર્ષે બાંગ્લાદેશ સામે ડબલ સેન્ચુરી ફટકારી હતી ત્યારે એ 24 વર્ષ અને 145 દિવસનો હતો. ત્રીજા નંબરે રોહિત શર્મા છે (26 વર્ષ 186 દિવસ).

ભારત વતી વન-ડે ક્રિકેટમાં ડબલ સેન્ચુરી કરનાર બેટરોઃ

  • રોહિત શર્મા – 264 (શ્રીલંકા સામે 2014માં)
  • વિરેન્દર સેહવાગ – 219 (વેસ્ટ ઈન્ડિઝ સામે 2011માં)
  • ઈશાન કિશન – 210 (બાંગ્લાદેશ સામે 2022માં)
  • રોહિત શર્મા – 209 (ઓસ્ટ્રેલિયા સામે 2013માં)
  • રોહિત શર્મા – 208* (શ્રીલંકા સામે 2017માં)
  • શુભમન ગિલ – 208 (ન્યૂઝીલેન્ડ સામે 2023માં)
  • સચીન તેંડુલકર – 200* (દક્ષિણ આફ્રિકા સામે 2010માં)