હાંગ્ઝૂ (ચીન): આ વર્ષની 23 સપ્ટેમ્બરથી ચીનમાં 19મી એશિયન ગેમ્સ રમાવાની છે. તેમાં ક્રિકેટની હરીફાઈમાં ભારતના પુરુષો અને મહિલાઓ, એમ બંને ટીમ ભાગ લેશે. મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને હાલ શિસ્તભંગના પગલાં અંતર્ગત બે આંતરરાષ્ટ્રીય મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. પરંતુ તે આ સ્પર્ધામાં માત્ર ફાઈનલ મેચમાં જ રમી શકશે, જો ભારતીય ટીમ ફાઈનલમાં પ્રવેશ કરશે તો.
પુરુષો અને મહિલાઓ, બંને વર્ગમાં ચાર-ચાર ટીમ, ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ, આખરી 8-ટીમોના ચરણથી રમવાની છે. તમામ મેચોને સત્તાવાર ટ્વેન્ટી-20નો દરજ્જો પ્રાપ્ત થશે. તાજેતરમાં બાંગ્લાદેશ સામેની વન-ડે ઈન્ટરનેશનલ મેચ પૂરી થયા બાદ જાહેરમાં બળાપો કાઢવા બદલ હરમનપ્રીત પર બે-મેચનો પ્રતિબંધ મૂકાયો છે. તે એશિયન ગેમ્સની ક્વાર્ટર ફાઈનલ અને સેમી ફાઈનલ મેચમાં રમવા પાત્ર નથી. મહિલાઓની મેચો 19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 26 સપ્ટેમ્બરે સુવર્ણ અને કાંસ્ય ચંદ્રકો માટેની મેચ રમાશે.