હાંગ્ઝોઃ અહીં રમાતી 19મી એશિયાડ સ્પર્ધામાં આજે છઠ્ઠા દિવસે ભારતે શૂટિંગ રમતમાં બે સુવર્ણ અને એક રજત ચંદ્રક જીત્યો છે. આ રમતમાં ભારતે જીતેલા સુવર્ણ ચંદ્રકોની સંખ્યા છ પર પહોંચી છે. આજે પુરુષોની 50 મીટર રાઈફલ 3-પોઝિશન ટીમ હરીફાઈમાં સ્વપ્નિલ કુશાલે, ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમર અને અખિલ શ્યોરાને વિશ્વવિક્રમી સ્કોર સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. જ્યારે મહિલાઓનાં વર્ગમાં, 17 વર્ષની પલક ગુલિયાએ 10 મીટર પિસ્તોલ વ્યક્તિગત હરીફાઈમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે.
પલકે તે પહેલાં, ઈશા સિંહ અને દિવ્યા થડિગોલ સાથે ટીમ બનાવીને 10 મીટર એર પિસ્તોલ ટીમ હરીફાઈમાં રજત ચંદ્રક જીત્યો હતો.
ઘોડેસવારી રમતમાં, ડ્રેસેજ વ્યક્તિગત હરીફાઈમાં અનુષ અગરવાલાએ ત્રીજા ક્રમે આવીને કાંસ્ય ચંદ્રક જીત્યો છે.
ટેનિસમાં, મેન્સ ડબલ્સ હરીફાઈમાં સાકેત મૈનેની અને રામકુમાર રામનાથનની જોડીએ રજત ચંદ્રક જીત્યો છે.
આ સાથે વર્તમાન એશિયન ગેમ્સમાં ભારતના ગોલ્ડ મેડલની કુલ સંખ્યા 8 થઈ છે અને કુલ ચંદ્રકોની સંખ્યા 30 પર પહોંચી છે. આમાં 11 રજત અને 11 કાંસ્ય ચંદ્રકોનો સમાવેશ થાય છે. મેડલ વિજેતા દેશોની યાદીમાં ભારત ચોથા ક્રમે છે. યજમાન ચીન 93 સુવર્ણ, 54 રજત અને 26 કાંસ્ય સહિત કુલ 173 મેડલ જીતીને યાદીમાં પહેલા ક્રમે છે. બીજા ક્રમે દક્ષિણ કોરિયા 24 ગોલ્ડ, 24 સિલ્વર, 40 બ્રોન્ઝ સાથે કુલ 88 મેડલ સાથે બીજા ક્રમે છે. ત્રીજા ક્રમે જાપાન છે – 19, 31, 32 સહિત કુલ 82 મેડલ.
16 રમતોમાં ભારતના 158 ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે.