એશિયા કપ-2023 પાકિસ્તાન-શ્રીલંકામાં યોજાશે

દુબઈઃ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) દ્વારા આગામી એશિયા કપ-2023 સ્પર્ધાના કાર્યક્રમની આજે જાહેરાત કરવામાં આવી છે. આ સ્પર્ધાનું આયોજન હાઈબ્રિડ મોડેલ (મિશ્રિત મોડેલ)માં પાકિસ્તાન અને શ્રીલંકા સાથે મળીને કરશે. સ્પર્ધા 31 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી યોજાશે.

પાકિસ્તાન આ સ્પર્ધાની ચાર મેચનું આયોજન કરશે જ્યારે શ્રીલંકા 9 મેચ યોજશે. ફાઈનલ મેચ શ્રીલંકામાં યોજાશે. પાકિસ્તાનમાં 15 વર્ષ પછી આ પહેલી વાર એશિયા કપની મેચો રમાશે. સ્પર્ધામાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળ રમશે. તેઓ કુલ 13 વન-ડે ઈન્ટરનેશનલ મેચો રમશે. ટીમોને બે ગ્રુપમાં વહેંચી દેવામાં આવશે. દરેક ગ્રુપની ટોચની બે ટીમ સુપર-ફોર તબક્કામાં જશે. બાદમાં સુપર-ફોર તબક્કાની ટોચની બે ટીમ ફાઈનલમાં રમશે.

સુરક્ષાને લગતી ચિંતાને કારણે અને ભારત સરકારે પાકિસ્તાન સાથેના સંબંધો પર પ્રતિબંધ મૂક્યો હોવાથી ભારતીય ટીમ પાકિસતાનમાં રમવા નહીં જાય અને તેના હિસ્સાની મેચ શ્રીલંકામાં રમશે.

ગ્રુપ-1માં ભારત, પાકિસ્તાન અને નેપાળ છે. જ્યારે ગ્રુપ-2માં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન છે. શ્રીલંકા આ સ્પર્ધાનું ગઈ વેળાનું ચેમ્પિયન છે. ગયા વર્ષે યૂએઈમાં રમાઈ ગયેલી સ્પર્ધાની ફાઈનલમાં એણે પાકિસ્તાનને પરાજય આપ્યો હતો.