નાઈજિરીયાને 2-1થી હરાવી આર્જેન્ટિના વર્લ્ડ કપ પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં

સેન્ટ પીટર્સબર્ગ (રશિયા) – અહીં ફિફા વર્લ્ડ કપ-2018માં ગઈ કાલે ગ્રુપ-Dની મહત્વની મેચમાં આર્જેન્ટિનાએ નાઈજિરીયાને 2-1થી હરાવીને સ્પર્ધાના પ્રી-ક્વાર્ટર ફાઈનલ રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે.

બે વખત વર્લ્ડ ચેમ્પિયન બનેલા આર્જેન્ટિનાનો આ વિજય માર્કોસ રોજોએ છેક 86મી મિનિટે કરેલા ગોલને કારણે શક્ય બન્યો હતો.

આર્જેન્ટિનાનાં કેપ્ટન અને સુપરસ્ટાર ખેલાડી લિયોનેલ મેસ્સીએ 14મી મિનિટે ગોલ કરીને એની ટીમને સરસાઈ અપાવી હતી, પણ બીજા હાફમાં, 51મી મિનિટે નાઈજિરીયાના વિક્ટર મોઝીસે પેનલ્ટી કિકને ગોલમાં ફેરવીને સ્કોર 1-1થી બરાબર કર્યો હતો. મેચ ડ્રો તરફ આગળ વધી રહી હતી ત્યાં જ રોજોએ વિજયી ગોલ કર્યો હતો.

આ જીત સાથે આર્જેન્ટિનાના કુલ 4 પોઈન્ટ થયા છે. ગ્રુપમાં એ ક્રોએશિયા (9 પોઈન્ટ) બાદ બીજા નંબરે છે. નાઈજિરીયા 3 પોઈન્ટ સાથે ત્રીજા નંબરે છે જ્યારે આઈસલેન્ડ (1) સ્પર્ધામાંથી આઉટ થઈ ગઈ છે.

આઈસલેન્ડ સામેની મેચ ડ્રો જતાં અને ક્રોએશિયા સામે 0-3થી પરાજય થતાં આર્જેન્ટિના પર સ્પર્ધામાંથી બાકાત થઈ જવાનો ખતરો તોળાતો હતો, પરંતુ નાઈજિરીયા પરની જીતે એને સ્પર્ધામાં આગેકૂચ કરાવી છે.